જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પડોશી દેશ પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. ગતરોજ  વડાપ્રધઆન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી CCS બેઠકમાં આતંકવાદી હુમલાને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીની આશંકાને પગલે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે 65 વર્ષ જૂની જળસંધિ સમાપ્ત કરી તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી સરહદ બંધ કરવા અને પાકિસ્તાનીઓ માટેના વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યા.  આ ઉપરાંત અન્ય એક મહત્વનું પગલું લેતા ભારતે પાકિસ્તાનના રાજદૂતોને દેશ છોડવા આદેશ કર્યો છે. એવું કહેવાય છે કે નવી દિલ્હીએ પાકિસ્તાનના ટોચના રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. નોંધનીય છે કે મંગળવારે જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ભારત ભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને હવે ભારત સરકારે વારંવાર હેરાનગતિ કરતા પાકિસ્તાનને પાઠ ભણાવવા અત્યંત આકરા પગલા લીધા છે.


પાકિસ્તાની રાજદૂતને સમન્સ

પ્રાપ્ત સમાચાર મુજબ ભારતે ટોચના પાકિસ્તાની રાજદૂત સાદ અહેમદ વારૈચને સમન્સ પાઠવ્યું છે. ઉપરાંત, લશ્કરી રાજદૂતને એક ઔપચારિક પર્સોના નોન ગ્રેટા નોટ સોંપવામાં આવી છે. તે એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે સ્વીકાર્ય નથી અથવા અનિચ્છનીય છે. ખાસ વાત એ છે કે ભારત સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બે દિવસ પહેલા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને બુધવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી .

પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહી

પહેલગામમાં આતંકી હુમલા બાદ 23 એપ્રિલના રોજ મોડી સાંજે CCSની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણય અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ઓછા કરશે અને 1 મે સુધીમાં પાકિસ્તાની અને ભારતીય ઉચ્ચાયોગમાં તૈનાત કર્મચારીઓની કુલ સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે. આ ઉપરાંત ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પણ દેશ છોડવાનું જણાવ્યું. જણાવી દઈએ કે પાકિસ્તાનના નાગરિકો ભારતની સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતમાં મુસાફરી કરતા હોય છે. અને હાલમાં સાર્ક વિઝા હેઠળ ભારત આવેલા તમામ નાગરિકોને  48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ કર્યો છે. 

તેમણે કહ્યું કે ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પણ પાછા ખેંચી લેશે. "સંબંધિત ઉચ્ચ કમિશનમાં આ પદોને નાબૂદ ગણવામાં આવશે," મિસરીએ જણાવ્યું. બંને હાઈ કમિશનમાંથી સર્વિસ એડવાઈઝર્સના પાંચ સપોર્ટ સ્ટાફને પણ પાછા બોલાવવામાં આવશે.

  • Follow us on: