• અગ્નિવીર યોજના પર સૂત્રો દ્વારા મોટા સમાચાર
  • સેના અગ્નિવીરોનો કાર્યકાળ વધારવાના પક્ષમાં
  • ભરતીથી ઉંમર 17થી વધારીને 22થી 23 વર્ષ થાય

ભારતીય સેનાએ અગ્નિવીર યોજનાની સમીક્ષા કરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તેમાં 4 વર્ષ પૂરા કર્યા પછી નિયમિત સેવામાં જોડાનારા અગ્નિવીરોની ટકાવારી વર્તમાન 25 ટકાથી વધારીને 60-70 ટકા કરવાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ સેવાનો સમયગાળો 4 વર્ષથી વધારીને 7-8 વર્ષ કરવાનું સૂચન કર્યું છે. આ સિવાય ટેકનિકલ ક્ષેત્રમાં અગ્નિવીરો માટે પ્રવેશની ઉંમર વધારીને 23 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી છે. 

ચૂંટણીમાં ઉઠાવ્યો હતો મુદ્દો 

મહત્વનું છે કે  લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે અગ્નિવીર યોજનાનો મુદ્દો જોર જોરથી જનતામાં ઉઠાવ્યો હતો.  જ્યારે ભાજપે સરકાર બનાવી ત્યારે તેના સહયોગી પક્ષે પણ અગ્નિપથ યોજનામાં ફેરફારની માંગ કરી હતી. જે દિવસથી આ યોજના લાગુ કરવામાં આવી છે, તે દિવસથી સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે સમય સમય પર તેની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવો હશે તો તે પણ કરવામાં આવશે.

અગ્નિવીર યોજનામાં હાલ શું છે વ્યવસ્થા ?

અગ્નિવીર યોજના પેન્શન બિલ ઘટાડવા અને સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. જો કે, નવા ભરતી થયેલા સૈનિકોમાં તાલીમ અને કુશળતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ યોજના ચાર વર્ષના સમયગાળા માટે 17 થી 21 વર્ષની વયજૂથના યુવાનોની ભરતીની જોગવાઈ કરે છે, જેમાંથી 25 ટકા યુવાઓને 15 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે. સ્કીમ મુજબ 4 વર્ષમાં નિવૃત્ત થનાર 75 ટકા અગ્નિવીરને 12 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

  • Follow us on: