• ટગ ટ્રેક્ટર સાથે અથડાયું વિમાન
  • ફ્લાઈટમાં લગભગ 180 મુસાફરો સવાર હતા
  • મુસાફરોને બીજી ફ્લાઈટની સુવિધા આપવામાં આવી

દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર અકસ્માત નડ્યો હતો. વાસ્તવમાં પ્લેન ટેકઓફ માટે રનવે તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ તે જ સમયે તે ટગ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. વિમાનમાં લગભગ 180 મુસાફરો સવાર હતા. આ ઘટના ગુરુવારે એટલે કે ગઈ કાલે 16મી મેના રોજ બની હતી. અકસ્માત બાદ મુસાફરોને તરત જ વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

 મુસાફરોને બીજી ફ્લાઈટની સુવિધા આપવામાં આવી

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોને બીજી ફ્લાઈટની સુવિધા આપવામાં આવી હતી. મળતી માહિતિ અનુસાર મુસાફરોને તેમનું સંપૂર્ણ ભાડું પરત કરવામાં આવ્યું છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટની ઓફર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા લોકોને અન્ય વાહનોમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા જેથી તેઓ ત્યાંથી બીજી ફ્લાઈટ પકડી શકે. પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ડીજીસીએ તપાસ શરૂ કરી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ અથડામણનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર ફ્લાઈટને જમીન પર ખસેડવા માટે ઉપયોગમાં લેવાતા ટગ ટ્રકે એરક્રાફ્ટને ટક્કર મારી હતી. DGCA તપાસ ઓપરેશનલ પ્રોટોકોલ અને સંબંધિત ક્ષતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેથી તે જાણવા માટે કે ઘટનાનું કારણ શું છે. દુર્ઘટના બાદ એરપોર્ટની કામગીરી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી હતી. જો કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનને થોડા સમય માટે નિરીક્ષણ અને સમારકામ માટે બહાર કાઢવામાં આવ્યું હતું અને હવે ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર છે.

કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા

તાજેતરમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ ક્રૂ સભ્યો અચાનક 'સિક લીવ' પર ગયા હતા. જેના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસની લગભગ 250 ફ્લાઈટ્સ કેટલાય દિવસો સુધી રદ કરવામાં આવી હતી. જોકે કંપનીએ મુસાફરોને રિફંડ અથવા અન્ય ફ્લાઈટ સુવિધા આપવાનું વચન આપ્યું હતું. સાથે જ એકસાથે રજા લેનારા અનેક કર્મચારીઓ સામે પણ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ અન્ય કર્મચારીઓ રોષે ભરાયા હતા અને કંપનીના ગેરવહીવટ પર સવાલો ઉઠાવ્યા હતા અને હડતાળ પર ઉતરી ગયા હતા. આ એક ઘટનાને કારણે કંપનીને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી હતી.

  • Follow us on: