• ભારત દુનિયાના 10 વાયુ પ્રદૂષિત દેશોમાં ત્રીજા નંબરે

  • વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 80 લાખથી વધુ લોકોના મોત
  • વાયુ પ્રદૂષણની સૌથી વધુ અસર જોવા મળે છે બાળકોમાં

'IQAIR'ના રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના 10 વાયુ પ્રદૂષિત દેશોમાં ત્રીજા નંબર પર છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના 83 શહેરોની હવા વિશ્વ આરોગ્ય સંસ્થાની એર ક્વોલિટી ગાઈડલાઈન કરતા પણ ખરાબ છે. હવે વધુ એક અહેવાલે ભારતીયો માટે ચિંતા વધારી છે. બુધવારે જાહેર કરાયેલ સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર 2021માં 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.6 લાખ બાળકો વાયુ પ્રદૂષણ સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.

રિપોર્ટ મુજબ, 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 80 લાખથી વધુ લોકોના મોત થયા છે. જેમાં ભારતમાં 21 લાખ અને ચીનમાં 23 લાખ લોકોના મોતનો સમાવેશ થાય છે. ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ પર આધારિત અંદાજ મુજબ દક્ષિણ એશિયામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયુ પ્રદૂષણ સંબંધિત મૃત્યુદર દર 1,00,000 દીઠ 164 છે, જ્યારે વિશ્વની સરેરાશ 100,000 દીઠ 108 છે.

ભારતમાં સૌથી વધુ બાળકોના મોત

2021માં વાયુ પ્રદૂષણે ભારતીય બાળકોને સૌથી વધુ નિશાન બનાવ્યા છે. 2021માં બાળકોના મૃત્યુમાં ભારતમાં 169,400, નાઈજિરીયામાં 114,100, પાકિસ્તાન, ઈથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100નો સમાવેશ થાય છે.

બાળકોને થઈ રહી છે સૌથી વધુ અસર

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી રહી છે. બાળકો વાયુ પ્રદૂષણને કારણે થતા રોગો માટે ખુબ જ સંવેદનશીલ હોય છે અને વાયુ પ્રદૂષણથી થતા નુકસાનની શરૂઆત ગર્ભમાં જ થઈ શકે છે. જેની અસર સ્વાસ્થ્ય પર જીવનભર રહી શકે છે.

બાળકોમાં જોવા મળે છે વાયુ પ્રદૂષિત રોગોના સંકેત

બાળકોમાં જોવા મળતી પ્રદૂષણ-સંબંધિત સ્વાસ્થ્ય અસરોમાં અકાળ જન્મ, ઓછું વજન, અસ્થમા અને ફેફસાના રોગોનો સમાવેશ થઈ શકે છે. 2021માં 5 વર્ષથી ઓછી ઉંમરના 2,60,600થી વધુ બાળકો વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાને કારણે મૃત્યુ પામ્યા હતા, જે કુપોષણ પછી દક્ષિણ એશિયામાં આ વય જૂથ માટે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બન્યું હતું.

  • Follow us on: