દિલ્હીમાં વાયુ પ્રદૂષણે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. શાળાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે.


શિક્ષકો ઓનલાઈન બાળકોને ભણાવી શકશે

દિલ્હી સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ પ્રાથમિક શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે પણ શિક્ષકો ઓનલાઈન બાળકોને ભણાવી શકશે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમ્મસ અને હવાની ગુણવત્તા બગડવાને કારણે આવતીકાલથી એટલે કે શુક્રવાર 15 નવેમ્બર 2024થી દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) સ્ટેજ-3ની માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. આજે, 14 નવેમ્બર, ગુરુવારે સવારે દિલ્હીનો AQI 428 પર પહોંચી ગયો છે, જે આ સિઝનમાં પ્રથમ વખત 'ગંભીર' શ્રેણીમાં આવ્યો છે.

મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી જાણકારી

ઉલ્લેખનીય છે કે જ્યારે હવાની ગુણવતાનો સૂચકાંક "ગંભીર" લેવલે પહોંચે છે, ત્યારે GRAPના સ્ટેજ 3ની માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવે છે. જે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કલાસ શરૂ કરવાની ભલામણ કરે છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, 'વધતા પ્રદૂષણના સ્તરને કારણે, દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં આગળની સૂચનાઓ સુધી ઓનલાઈન વર્ગો શરૂ કરાશે.' એટલે કે પ્રાથમિક શાળાઓ બંધ રહેશે.

ગ્રેપ 3 દરમિયાન શું થશે?

ગ્રેપ 3ની માર્ગદર્શિકા લાગુ થયા બાદ રાજધાનીમાં બાંધકામ અને ડિમોલિશન બંધ કરવામાં આવશે, તમામ બિન-આવશ્યક ખાણકામ પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવશે. નોન-ઈલેક્ટ્રિક, નોન-સીએનજી અને નોન-BS-VI ડીઝલ ઈન્ટરસ્ટેટ બસો પર પ્રતિબંધ રહેશે. પ્રાથમિક શાળાઓ ઓનલાઈન વર્ગો તરફ આગળ વધી શકશે અને મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ વધારવામાં આવશે.

  • Follow us on: