મહારાષ્ટ્રમાં મહાયુતિના સહયોગી NCPના વડા અજિત પવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટેંગે'ના નિવેદનનો વિરોધ કર્યો છે. અજિત પવાર યોગીના નિવેદનનો વિરોધ કરીને ઘેરાઈ ગયા છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે તેમના નિવેદનને લઈને તેમના પર નિશાન સાધ્યું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નિવેદન 'બટેંગે તો કટેંગે'નો અજિત પવારનો વિરોધ દર્શાવે છે કે શાસક મહાગઠબંધનમાં કોઈ એકતા નથી.
ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન
બુલઢાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અજિત પવારે સીએમ યોગીના નિવેદનને નકારી કાઢવું એ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તાધારી મહાયુતિ ગઠબંધનના પક્ષોમાં એકતા નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, મહારાષ્ટ્રને યુપીના મુખ્યમંત્રી પાસેથી બીજો કોઈ પાઠ શીખવાની જરૂર નથી.
બટેંગે તો કટેંગે પર નિવેદન આપીને બેકફૂટ પર અજિત
યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં તેમની ચૂંટણી રેલીમાં 'બટેંગે તો કટંગે'નો નારા લગાવ્યો હતો, પરંતુ તેમના નિવેદન પર ટીપ્પણી કરતા ભાજપના સહયોગી અને એનસીપીના વડા અજિત પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકો અને રાજ્યના લોકોને આ પ્રકારની ટિપ્પણીઓ પસંદ નથી અહીં હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કર્યો છે.
મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ચૂંટણી લડાઈ
નોંધનીય છે કે, સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની NCP સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. તેઓ મહાવિકાસ અઘાડીના કોંગ્રેસ, એનસીપી (એસપી) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ચૂંટણી લડી રહ્યા છે.
ઠાકરેએ લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ
ભાજપ પર કટાક્ષ કરતા ઠાકરેએ કહ્યું કે, ભાજપે ચૂંટણી દરમિયાન પ્રચાર માટે રાજ્ય બહારના નેતાઓને લાવવા પડે છે. ઉદ્ધવ ઠાકરેએ NCP પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પ્રેમ કરનારા અને છેતરનારા વચ્ચે સ્પર્ધા છે. મહાયુતિ સરકાર મહારાષ્ટ્રના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકારોમાંની એક છે. તેમણે શિવાજી મહારાજની પ્રતિમા બનાવવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો હતો અને તેના કારણે પ્રતિમા પડી ગઈ હતી.
મહાવિકાસ આઘાડી સરકાર દરેક જિલ્લામાં શિવાજી મહારાજના મંદિરો બાંધશે
ઠાકરેએ જાહેરાત કરી કે, જો રાજ્યમાં મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે તો તેમની મહાવિકાસ આઘાડી સરકાર દરેક જિલ્લામાં શિવાજી મહારાજના મંદિરો બાંધશે. તે મંદિર શિવાજીના ઉપદેશો પર પ્રકાશ પાડશે કે કેવી રીતે શાસન કરવું અને સ્ત્રીઓનું સન્માન કરવું.