ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના છેલ્લા કાર્યકારી દિવસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન CJIએ તેમના પરિવાર, માતા-પિતા, અંગત જીવન તેમજ કારકિર્દી સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો શેર કરી અને પોતાના અનુભવો પણ વર્ણવ્યા. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, 'જજ તરીકે અમે જટિલ વિષયો પર નિર્ણયો આપીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે અમારા નિર્ણયોની સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર પડે છે.'
CJIએ ભાવુક સંબોધન કર્યું
તેમના કાર્યકાળના આ અંતિમ દિવસે તેમણે તેમની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતા અને નમ્રતાથી ભરેલું ભાવનાત્મક સંબોધન આપ્યું હતું. તેમના સાથીદારો અને કાયદાકીય સમુદાયથી ઘેરાયેલા ચંદ્રચુડે તેમના અંગત અનુભવો અને પ્રશંસા શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી હતી જેમને અજાણતા તેના કહેવાથી દુઃખ થયું હશે.
ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, "ગઈકાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર જ્યુડિશિયલ મને પૂછ્યું કે સમારોહ ક્યારે શેડ્યૂલ કરવો છે, ત્યારે મને કહેવામાં આવ્યું કે તે બપોરે 2 વાગ્યે શેડ્યૂલ કરી શકાય છે જેથી ઘણા કેસોનો નિકાલ થઈ શકે. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવારે બપોરે 2 વાગ્યે કોઈ હશે," તેમણે હસતાં-હસતાં કહ્યું અથવા હું મારી જાતને સ્ક્રીન પર જોઈશ?"
ન્યાયાધીશ ચંદ્રચુડે ભારતીય ન્યાયતંત્રની પરંપરાઓ પ્રતિ તેમની પ્રશંસા વ્યક્ત કરતા કહ્યું કે, એક યુવા વકીલ તરીકે તેઓ દલીલોની કળાના સાક્ષી બન્યા અને કોર્ટમાં કામ કરવાની મહત્વપૂર્ણ યુક્તિઓ શીખી. તેમણે કહ્યું કે, “અમે અહીં યાત્રાળુઓની જેમ કામ કરવા આવ્યા છીએ અને અમારું કાર્ય કોઈપણ બાબતનો માર્ગ નક્કી કરી શકે છે. મહાન ન્યાયાધીશોએ આ કોર્ટને શણગારી છે અને તેમનો વારસો અહીં છોડી દીધો છે.
ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્નાની પ્રશંસા કરી
ડીવાય ચંદ્રચુડે તેમના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના વિશે પણ કહ્યું હતું કે, "મારા ગયા પછી પણ આ કોર્ટમાં કોઈ ફરક નહીં પડે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ આ પદ સંભાળશે."
તેમના કાર્યકાળ દરમિયાન પ્રેરણાના સ્ત્રોતની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, "જ્યારે તમે મને પૂછો કે મને શું પ્રેરણા આપે છે, તે આ છે. તે એક જજ તરીકેની સફર છે. હું તમારા બધાનો આભાર માનું છું, તમે બધાએ મને કાયદો અને જીવન વિશે ઘણું શીખવ્યું. "આજે પણ 45 કેસોનો નિવેડો લાવવાની સાથે હું જીવન વિશે ઘણું શીખ્યો છું."
એક હૃદયસ્પર્શી ક્ષણમાં ચંદ્રચુડે દરેકની માફી માંગી, "જો મારા કહેવાથી ક્યારેય કોઈને દુઃખ થયું હોય, તો મને માફ કરશો, તે મારો હેતુ ક્યારેય નહોતો. કૃપા કરીને મને માફ કરો."
તેમના છેલ્લા કામકાજના દિવસે વરિષ્ઠ વકીલો અને ન્યાયતંત્રના સભ્યોએ ભારતના ન્યાયિક ક્ષેત્ર પર તેમની ઊંડી અસર માટે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ પણ ઔપચારિક બેન્ચમાં સ્થાન લીધું હતું. ડી.વાય. ચંદ્રચુડના કાયદાકીય જ્ઞાન તેમજ ન્યાય પ્રત્યેના માનવતાવાદી અભિગમ માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે શું કહ્યું?
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે વિદાય સમારંભ દરમિયાન મળેલા સન્માન બદલ સૌનો આભાર માન્યો હતો. તેમના વિદાય સમારંભમાં મુખ્ય ન્યાયાધીશે તેમના પિતા અને તેમના ન્યાયિક અનુભવો વિશે ભાવનાત્મક વિચારો શેર કર્યા. તેમણે કહ્યું કે, તેના પિતા ખૂબ જ શિસ્તબદ્ધ હતા, પરંતુ તેમણે ક્યારેય પોતાના બાળકો પર અનુશાસન થોપ્યું નથી. CJIએ કહ્યું કે, "મારા પિતાએ પુણેમાં એક નાનો ફ્લેટ ખરીદ્યો હતો. મેં તેમને પૂછ્યું શા માટે ત્યારે તેમણે કહ્યું કે, તેઓ જાણતા હતા કે તેઓ તેમાં નહીં રહે. તેમણે મને કહ્યું કે, આ ફ્લેટને ત્યાં સુધી રાખો જ્યાં સુધી તમે એક જજ તરીકે સેવાનિવૃત નથી થઈ જતાં જેથી તમને ખબર પડે કે જો તમારી નૈતિકતાને પર આંચ આવે તો તમારી પાસે તમારું માથું છુપાવવાની જગ્યા હશે.
અમારા નિર્ણયો સામાન્ય નાગરિકોને અસર કરે છે: CJI
તેમના ન્યાયિક કાર્ય પાછળની પ્રેરણા વિશે વાત કરતા CJIએ કહ્યું કે, “અમે જજ તરીકે જટિલ બાબતો પર નિર્ણય કરીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે અમારા નિર્ણયોની સામાન્ય નાગરિકોના જીવન પર અસર થાય છે. તાજેતરમાં અમે રાજસ્થાન ન્યાયિક પરીક્ષામાં બે અંધ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બેઠવાની મંજૂરી આપી. બાદમાં અમને કહેવામાં આવ્યું કે, તેઓએ પરીક્ષા પાસ કરી છે અને પસંદગીની યાદીમાં સામેલ છે. તે જ અમને પ્રોત્સાહિત કરે છે."
તેમણે કેટલાક અન્ય ઉદાહરણો પણ આપ્યા, "થોડા સમય પહેલા, એક ડોક્ટર જેમણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી જેવી બીમારીથી પીડિત હોવા છતાં NEETમાં ઉત્તમ સ્કોર મેળવ્યો હતો, તેને MBBSમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અમે તેની તબીબી તપાસ કરાવી અને પછી તેને પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો. એ જ રીતે, એક દૈનિક વેતન મજૂરનો પુત્ર IITમાં પ્રવેશ મેળવી શક્યો ન હતો કારણ કે તે સમયસર ફી જમા કરી શક્યો ન હતો કારણ કે તે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકતો ન હતો. અમે હસ્તક્ષેપ કર્યો અને તેને દાખલ કરાવ્યો." મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, "અલાહાબાદમાં વિતાવેલા મારા સમયથી મારો ન્યાયિક પરિપ્રેક્ષ્ય કાયમ બદલાઈ ગયો."
અલ્હાબાદના શરૂઆતના દિવસોને કર્યા યાદ
પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમને દરેક ફંકશનમાં 15-25 મેરીગોલ્ડના ફૂલોનો હાર પહેરાવવામાં આવતો હતો. તેમણે કહ્યું કે, “મારી પત્ની કહેતી હતી કે મેરીગોલ્ડના ફૂલોના શર્ટ પર ડાઘ પડી જાય છે, તેથી મેં તેને કહ્યું કે, આટલો કષ્ટ ન કરો, ફૂલોની કોઈ જરૂર નથી. પણ મને પાછળથી ખબર પડી કે આ ફૂલો તેમના માટે છે જેથી ફોટોગ્રાફ્સ લઈ શકાય. આજે મને જે ફૂલો મળ્યા છે, દિલથી લાગ્યું કે તે મારા માટે છે.
માતાને પણ કર્યા યાદ
ચંદ્રચુડે તેમની માતાની સ્મૃતિમાં એક શ્લોક પણ શેર કર્યો, "ઔષધમ્ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિઃ," જેનો અર્થ છે કે દવા ગંગા જેટલી સમાન પવિત્ર છે અને વૈદ્ય ભગવાન નારાયણ સમાન છે. તેમણે કહ્યું કે, "નાનપણમાં મને આ શ્લોકનો અર્થ ખબર ન હતી, હું માત્ર એટલું જ જાણતો હતો કે તેના પછી કડવી દવા મળશે." તેમણે કહ્યું કે, "ઔષધ (દવા)ને ગંગાના પાણીની જેમ પવિત્ર માનવું જોઈએ અને ડોક્ટર (વૈદ્ય)ને ભગવાન નારાયણની જેમ પવિત્ર માનવા જોઈએ."
તેમણે બાળપણની યાદો શેર કરતાં કહ્યું કે, “હું એક બીમાર બાળક હતો અને અવારનવાર બીમાર પડતો હતો. મારી માતાએ આખી રાત મારા સાજા થવાનું ધ્યાન રાખતી હતી. તે આ શ્લોકનો જાપ કરતી હતી, જેનો અર્થ હતો કે દવા ગંગા સમાન છે અને વૈદ્ય નારાયણના સ્થાને છે. તે સમયે મને તેનો અર્થ ખબર ન હતી, હું માત્ર એટલું જ જાણતો હતો કે આ પછી કડવી દવા મળતી હતી.
CJI ચંદ્રચુડે આગળ કહ્યું કે, “મારા ઘરમાં મારી માતાનું વર્ચસ્વ હતું અને આજે પણ ઓડિશાની મહિલાઓ ઘરનું નેતૃત્વ સંભાળે છે. જો કે, મારી માતાએ ક્યારેય મારા નિર્ણયોમાં દખલગીરી કરી નથી.
કપિલ સિબ્બલે શું કહ્યું?
આ દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના પ્રમુખ કપિલ સિબ્બલે પણ વિદાય ભાષણ આપ્યું અને આ દરમિયાન તેમણે ઘણા મોટા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો. સિબ્બલે કહ્યું કે, “અમે કોઈપણ ન્યાયાધીશની ટીકા કરી શકીએ છીએ કારણ કે જીવનમાં સંપૂર્ણતા જેવી કોઈ વસ્તુ નથી. સત્ય પણ સાપેક્ષ હોય છે. અમે કોઈ ન્યાયાધીશનું મૂલ્યાંકન તે સમયના સંદર્ભમાં કરવું જોઈએ જેમાં તેઓ જીવે છે. જસ્ટિસ ચંદ્રચુડ વિશે લખતી વખતે અમે તેમના નિર્ણયો, તેમની સાદગી, ધીરજ અને શાંત સ્વભાવની ચર્ચા કરીશું. આ તમામ ગુણો તેમને આ દેશના મહાન ન્યાયાધીશોમાંના એક બનાવે છે.
સિબ્બલે વધુમાં કહ્યું કે, "તમારો આભાર કે તમે હંમેશા અમારી વાત સાંભળી, ભલે અમે સહમત ન હોય, પરંતુ તમને સાંભળવાની ભાવનાને સલામ કરું છું. તમે એક ટ્રેલબ્લેઝર છો, પછી ભલે તે વિકલાંગોના અધિકારોનું રક્ષણ કરતા હોય, વ્યક્તિની ગરિમાને મજબૂત કરતા હોય, અથવા જ્ઞાતિના મુદ્દાઓ અને લિંગ પ્રથાઓને તોડવા તરફના તમારા પ્રયત્નો જેને ઘણા લોકોએ અવગણ્યા છે. તમારી ધીરજ અને કાયદા પ્રત્યેનો જુસ્સો અજોડ છે." સિબ્બલે એક કવિતા સંભળાવીને તેમનું ભાષણ સમાપ્ત કર્યું, "I wish to stay right at the start, you’re a class apart…”
એટર્ની જનરલે પણ ભાવુક પળો શેર કરી હતી
આ પ્રસંગે એટર્ની જનરલે કહ્યું કે, 'ન્યાયપાલિકામાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહેલા લોકો પણ માણસો છે અને તેઓએ મોટી જવાબદારીઓ નિભાવવાની હોય છે. તેમણે CJI ચંદ્રચુડના માનવતાવાદી પાસાને વખાણતા કહ્યું કે, તેમણે મહિલા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી અને કોર્ટમાં ક્રેચ સુવિધાઓ પૂરી પાડી. આવી અનેક નાની-નાની સંવેદનશીલ ઘટનાઓ તેમની કોર્ટ ડાયરીનો એક ભાગ બની જશે.
નવનિયુક્ત CJIએ શું કહ્યું?
આ દરમિયાન નવા નિયુક્ત CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, "જ્યારે ન્યાયનું વિશાળ વૃક્ષ પીછેહઠ કરે છે, ત્યારે પવન અલગ રીતે ફૂંકાય છે, અન્ય વૃક્ષો તે શૂન્યતા ભરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જંગલ ક્યારેય એકસરખું રહેતું નથી." તેમણે કહ્યું કે, “ચંદ્રચુડ સાહેબ એક વિદ્વાન અને એટલા જ ગહન ન્યાયશાસ્ત્રી છે. હું તેની ધીરજ અને કાર્યની નીતિની પ્રશંસા કરું છું. તેમના નેતૃત્વ હેઠળ કોર્ટમાં નવી ઇમારતો બાંધવામાં આવી હતી અને એક ખાસ વોર રૂમની સ્થાપના કરવામાં આવી હતી. "તેમના નેતૃત્વનો ઉદ્દેશ અદાલતને સર્વસમાવેશકતાનું કેન્દ્ર બનાવવાનો હતો."













