ઘણીવાર તમે લોકોની હિંમત અને લાંબા સંઘર્ષની વાર્તા સાંભળી અથવા જાણતા હશો, જેમાં ઘણા વર્ષોના સંઘર્ષ પછી તેમને સિસ્ટમ તરફથી ન્યાય મળે છે. આજે અમે તમને એવી જ એક લડાઈની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં કોટાના એક વ્યક્તિએ IRCTC પાસેથી પોતાના 35 રૂપિયા માટે 5 વર્ષ સુધી લડાઈ લડી અને પછી ન્યાય મળ્યો. આ લડાઈથી 10 લાખથી વધુ લોકોને ફાયદો થયો.
5 વર્ષની લાંબી લડાઈ બાદ મળ્યો ન્યાય
કોટાના વકીલ સુજીત સ્વામીએ એપ્રિલ 2017માં સુવર્ણ મંદિરમાં કોટાથી નવી દિલ્હીની ટિકિટ 2 જુલાઈએ મુસાફરી કરવા માટે બુક કરાવી હતી. વેટિંગ હોવાના કારણે તે મુસાફરી કરી શક્યો ન હતો અને 765 રૂપિયાની ટિકિટ કેન્સલ કરાવી હતી, પરંતુ રેલવેએ 65 રૂપિયાને બદલે 100 રૂપિયા કાપી લીધા હતા અને 35 રૂપિયા સર્વિસ ટેક્સ વસૂલ્યા હતા, જેના કારણે સુજીત સ્વામી કોર્ટમાં પહોંચ્યા હતા 5 વર્ષની લાંબી લડાઈ બાદ તેમને ન્યાય મળ્યો હતો. આ લડાઈથી માત્ર સુજીત સ્વામીને જ ફાયદો થયો નથી, પરંતુ તેમની સાથે 10 લાખથી વધુ લોકોને પણ ફાયદો થયો છે.
RTI દાખલ કરીને રેલવે પાસેથી માહિતી માંગવામાં આવી હતી
વકીલે જણાવ્યું કે, તેમણે 2017માં એક RTI દાખલ કરીને તેમની સાથે બનેલી આ ઘટના અંગે માહિતી માંગી હતી, જેમાં તેમણે આવા કેટલા મુસાફરો છે તેની માહિતી માંગી હતી, જેમની પાસેથી સર્વિસ ટેક્સ તરીકે 35 રૂપિયા કાપવામાં આવ્યા હતા. જેના જવાબમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે 10 લાખથી વધુ લોકો પાસેથી 35 રૂપિયા સર્વિસ ટેક્સ તરીકે લેવામાં આવ્યા હતા.
રેલવે મંત્રી અને પીએમને પણ પત્ર લખ્યો હતો
સુજીતે કહ્યું કે, તેમણે આ બાબતે રેલવે મંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને તમામ લોકો પાસેથી વસૂલેલા વધારાના પૈસા પરત કરવાની માગણી કરી છે. સુજીતે વધુમાં જણાવ્યું કે, મે 2019માં રેલવેએ તેના બેન્ક ખાતામાં 33 રૂપિયા પરત કર્યા, જેના કારણે તે ખૂબ જ ખુશ હતો. પરંતુ તેમનું માનવું હતું કે, IRCTCએ પૂરા 35 રૂપિયા પરત કરવા જોઈએ, જ્યારે IRCTCએ માત્ર 2 રૂપિયા ઓછા પરત કર્યા હતા. આ બાબતે સુજીતે ફરી લડાઈ શરૂ કરી હતી.
તમામ ગ્રાહકોના રિફંડની માગણી
તેમણે પોતાને તેમજ તમામ ગ્રાહકોના રિફંડની માગણી કરી. આ મામલો ભારત સરકારના રેલવે મંત્રાલયના નાણાંકીય કમિશનર અને સચિવ, રેલવે બોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર પેસેન્જર માર્કેટિંગ, IRCTC, નાણાં મંત્રાલય (મહેસૂલ) વિભાગના સચિવ અને GST કાઉન્સિલ સુધી પહોંચ્યો હતો. સુજીતે પીએમ નરેન્દ્ર મોદી, મંત્રી અનુરાગ ઠાકુર, રેલ મંત્રી નિર્મલા સીતારમણ પર પણ કટાક્ષ કરતા ટ્વીટ કર્યા હતા.
5 વર્ષ પછી ન્યાય મળ્યો
સુજીતને IRCTI અધિકારીનો ફોન આવ્યો. તેમણે માહિતી આપી હતી કે, રેલવે બોર્ડ દ્વારા તમામ ગ્રાહકોના રિફંડને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે IRCTCએ સુજીતના બેન્ક ખાતાની માહિતી માગી હતી. રેલવે તરફથી સુજીતના ખાતામાં 2 રૂપિયાનું રિફંડ પણ આવ્યું ત્યારબાદ સુજીતે પાંચ વર્ષનો સંઘર્ષ પૂરો થયા બાદ આભાર માનવા માટે 535 રૂપિયા પીએમ કેર્સ ફંડમાં ટ્રાન્સફર કર્યા.













