રાજસ્થાનમાં ઐતિહાસિક વારસાની અનેક ઝલક જોવા મળે છે. રાજસ્થાનની સંસ્કૃતિ. ભવ્યતા અને વારસાને જોવાની એક તક છે પુષ્કરનો મેળો. પુષ્કરના મેળામાં રાજસ્થાનની સંસ્કૃતિના તમામ રંગો જોવા મળે છે. ત્યારે આવો જાણીએ આ મેળો ક્યારે શરૂ થવાનો છે. શું હસે તેમાં આકર્ષણનું કેન્દ્ર.
પુષ્કરના મેળામાં જવાનો એક અનુભવ અલગ રહેશે. જો કે આ દિવસો દરમિયાન ત્યાં ભયંકર ગરમી હોય છે પરંતુ સાંજ સુધીમાં હવામાન સંપૂર્ણપણે બદલાવા લાગે છે. પુષ્કર મેળો 9 થી 15 નવેમ્બર સુધી ચાલશે. જેમાં દેશ-વિદેશના લોકો અહીં ફરવા આવે છે. રાજસ્થાની કલા-સંસ્કૃતિ અને અદ્ભુત ભોજનનો સ્વાદ ચાખવા મળે છે. આ મેળો ઊંટ માટે પણ જાણીતો છે. ઊંટની ખરીદી અને વેચાણની સાથે હસ્તકલા અને હાથથી બનાવેલી વસ્તુઓ ખરીદવાની તક પણ મળશે.
યોજાય છે આ કાર્યક્રમ
મેળા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પુષ્કર તળાવના ઘાટ પર અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં સ્થાનિક કલાકારો દ્વારા રાજસ્થાની નૃત્ય અને સંગીત રજૂ કરવામાં આવે છે. આ મેળામાં અનેક પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. પુષ્કર મેળામાં મોટી મૂછોની સ્પર્ધા, ફોટોગ્રાફી, પાઘડી બાંધવાની અને ઊંટ દોડ સહિત અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત અહીં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ આવે છે.
આ સ્થળો પણ જોવાનું ન ચૂકતા
પુષ્કર સરોવર
જો તમે પુષ્કરમાં છો તો અહીં તળાવ જોવા અવશ્ય જાવ. આ તળાવની આસપાસ 52 ઘાટ છે. આ તળાવનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે આ તળાવમાં નાહવાની પરંપરા છે.
બ્રહ્મા મંદિર
પુષ્કરમાં ભગવાન બ્રહ્માનું આ એકમાત્ર મંદિર છે. આ મંદિરમાં દર્શન માટે પણ જઈ શકાય છે. મંદિરમાંથી તમને પુષ્કર તળાવ અને અરવલ્લી હિલ્સનો નજારો મળે છે.
કેમલ સફારી
અહીં આવીને તમે કેમલ સફારીનો આનંદ પણ લઈ શકો છો. આ શહેરની સરહદ જ્યાં પૂરી થાય છે, તે જ જગ્યાએથી રણની શરૂઆત થાય છે. પુષ્કરમાં કેમલ સફારી તો જરૂર કરવી જોઇએ.
પુષ્કર કેવી રીતે પહોંચવું
પુષ્કર જવા માટે તમારે પહેલા અજમેર જવું પડશે. તમે ટ્રેન અથવા બસ દ્વારા પણ અજમેર જઈ શકો છો. જો કે, અજમેરથી તમે ટેક્સી અને બસ દ્વારા પુષ્કર જઈ શકો છો.