- જયરામ રમેશ સામે નોંધાયો કેસ
- કોર્ટે જયરામ રમેશ પાસે માગ્યા જવાબ
- અલ્હાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે માગ્યો જવાબ
કોંગ્રેસના નેતા જયરામ રમેશ સામે કેસ નોંધાયો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની જિલ્લા અદાલતમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ અલ્હાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જયરામ રમેશને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા કહ્યું છે. શું છે મામલો આવો જાણીએ.
અમિત શાહને લઇને કર્યો હતો દાવો
જયરામ રમેશ વિરુદ્ધ આ ફરિયાદ અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ અને બીજેપીના લો સેલના રાજ્ય સહ-સંયોજક સુશીલ કુમાર મિશ્રાએ દાખલ કરી છે. કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. તેમણે અમિત શાહ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી જેના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરાતા નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.
જયરામ રમેશે શું દાવો કર્યો?
ફરિયાદમાં જણાવાયું છે કે જયરામ રમેશે ખોટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. નોંધનીય છે કે 2 જૂને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જયરામ રમેશે અમિત શાહ પર 150 જિલ્લા કલેક્ટરને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. એક્સ પર પોસ્ટ કરતી જયરામ રમેશે દાવો કર્યો હતો કે ગૃહમંત્રી જિલ્લા અધિકારીઓ- કલેક્ટરોને ફોન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 લોકો સાથે વાત કરી છે. આ ખુલ્લેઆમ અને બેશરમી રીતે ધમકી આપીને જણાવી રહ્યા છે કે બીજેપી કેટલી હતાશ છે. આવા લખાણ સાથે તેમણે પોસ્ટ કરી હતી.
ચૂંટણી પંચે નોટિસ પાઠવી હતી
જયરામ રમેશે કહ્યું હતું કે યાદ રાખો કે લોકશાહી જનાદેશ પર ચાલે છે, ધમકીઓ પર નહીં. 4 જૂનના જનાદેશ મુજબ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ સત્તામાંથી બહાર થઈ જશે અને ઇન્ડિ ગઠબંધન વિજયી થશે. અધિકારીઓએ કોઈપણ પ્રકારના દબાણમાં ન આવવું જોઈએ અને બંધારણનું રક્ષણ કરવું જોઈએ. જયરામ રમેશના આ નિવેદન પર ચૂંટણી પંચે તેમને કહ્યું હતું કે મત ગણતરીની પ્રક્રિયા દરેક ચૂંટણી અધિકારીની પવિત્ર ફરજ છે અને આવા જાહેર નિવેદનો શંકા પેદા કરે છે. તેથી મોટા જનહિતમાં નિવેદનો કરવા જોઈએ. આ સાથે જ ચૂંટણી પંચે જયરામ રમેશને પણ નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો.