- અમરનાથ યાત્રાએ પહોંચી રહ્યા છે ભક્તો
- અત્યાર સુધી 2.5 લાખ લોકોએ કરી અમરનાથ યાત્રા
- આજે શ્રદ્ધાળુનો 14મો સમૂહ થયો રવાના
અમરનાથ યાત્રા અને ચારધામ યાત્રાનું ખૂબ મહત્વ છે. વર્ષે લાખોની સંખ્યામાં અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લે છે. ત્યારે હાલમાં હવામાન ખરાબ હોવાને કારણે ચારધામ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અમરનાથ યાત્રામાં શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે ભક્તોએ અમરનાથની યાત્રા કરી છે.
આજે શ્રદ્ધાળુઓનો 14મો સમૂહ રવાના
કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે 4,800 થી વધુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગુરુવારે વહેલી સવારે જમ્મુ શહેરથી નીકળી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના રક્ષણ હેઠળ 4,885 યાત્રાળુઓની 14મી બેચ બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી સવારે 3.06 વાગ્યે રવાના થઈ હતી. આતંકવાદી હુમલા અને ત્યારપછીના ઓપરેશન બાદ ભગવતી નગર બેઝ કેમ્પ અને યાત્રાના રૂટની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
4800 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફા માટે રવાના થયા
અધિકારીઓએ જણાવ્યું કે 14મી બેચમાં 2,366 પુરૂષો, 1,086 મહિલાઓ, 32 બાળકો અને 163 'સાધુ' અને 'સાધ્વીઓ'નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 2,991 તીર્થયાત્રીઓએ યાત્રા માટે 48 કિલોમીટર લાંબો પરંપરાગત પહેલગામ માર્ગ પસંદ કર્યો છે જ્યારે 1,894 તીર્થયાત્રીઓ ગુફા મંદિર સુધી પ્રમાણમાં ટૂંકા (14 કિમી) પરંતુ મુશ્કેલ બાલટાલ માર્ગ અપનાવશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 28 જૂને અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી.