પાડોશી દેશ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના જમ્મુ-કાશ્મીર પર આપેલા નિવેદન પર હવે વિવાદ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનના મંત્રીએ કહ્યું હતું કે, તેઓ પણ કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ ગઠબંધનની જેમ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370ની બહાલી ઈચ્છે છે. આને લઈ દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પર વાક્ પ્રહારો કર્યા છે. અમિત શાહે લખ્યું કે, હવે કોંગ્રેસની વિચારણા સામે આવી ગઈ છે.
સોશિયલ મીડિયા એક્સ પર કોંગ્રેસ પર અમિત શાહના પ્રહારો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આગળ લખ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370 અને આતંકવાદ હવે કદી નહી આવે. કોંગ્રેસ અને પાકિસ્તાનનો એક જ સૂર છે. તેમજ કોંગ્રેસ અને પાકિસ્તાનનો ઈરાદો એક હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસનો હાથ પાકિસ્તાનની સાથે છે એ જાહેર થયું હોવાનું અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર ઉલ્લેખ કર્યો છે. વધુમાં અમિત શાહે લખ્યું કે, કોંગ્રેસના રાહુલ ગાંધી દેશવિરોધી તાકાત સાથે ઊભા છે.
ઓમર અબ્દુલ્લાએ પણ આપી પ્રતિક્રિયા
જો કે, વિવાદ મોટો થતા ઓમર અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન પોતાનો દેશ સંભાળે. નેશનલ કોન્ફ્રન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ-370 પર પાકિસ્તાનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન પહેલા પોતાનો દેશ સંભાળે. તેને અમારી ચૂંટણી પર ટિપ્પણી નહીં કરવી જોઈએ. અમારે પાકિસ્તાન સાથે શું લેવા-દેવા, અમે પાકિસ્તાનમાં થોડા છીએ. ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટ રીતે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાને આમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી.
ભાજપે પાકિસ્તાનના આ નિવેદનને વખોડી કાઢયું
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના આ નિવેદનને વખોડી કાઢ્યું છે. ભાજપ તરફથી અપાયેલ નિવેદન પ્રમાણે કોંગ્રેસ પાર્ટી હંમેશા ભારતના હિતોની વિરોધી છે.