ઉત્તરાખંડના અંકિતા ભંડારી મર્ડર કેસમાં 30 મેની તારીખ ખૂબ મહત્ત્વની છે. 30 મે એટલે કે આવતીકાલે આ કેસનો ચુકાદો આવશે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવશે. કોર્ટના ચુકાદા અગાઉ મૃતક અંકિતાના પિતા વિરેન્દ્રસિંહ ભંડારીનું નિવેદન સામે આવ્યુ છે. વિરેન્દ્રસિંહ ભંડારીએ અપીલ કરી છે કે, તેમની પુત્રીના હત્યારાઓને ફાંસીની સજા ફટકારવામાં આવે.
અંકિતા ભંડારી મર્ડર કેસ
અંકિતા 22 વર્ષની યુવતી હતી. જે રિસોર્ટમાં તે કામ કરી રહી હતી. તે રિસોર્ટના માલિકે તેના પર અન્ય કામ કરવાનો દબાવ કર્યો હતો. પરંતુ અંકિતાએ આ મામલે વિરોધ કરતા તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં રાજનીતિ કનેક્શન હોવાનું સામે આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. તપાસમાં ભાજપના નેતા વિનોદ આર્યાના પુત્ર પુલકિત આર્યાનું નામ સામે આવ્યુ હતુ. રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટનું કામ કરતી અંકિતા સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરાઇ હતી. હવે મૃતક અંકિતાના પિતાએ કોર્ટે અપીલ કરતા કહ્યુ છે કે, જે ત્રણ નરાધમોએ તેમની પુત્રી અંકિતાની હત્યા કરી છે. તેમને ફાંસીએ લટકાવવામાં આવે. વિરેન્દ્રસિંહે વધુમાં કહ્યુ હતુ કે, તેઓને ન્યાયપાલિકા પાસેથી આશા છે કે, સત્યનો વિજય થશે. અંકિતાના પિતાએ સરકાર પર આરોપ પણ લગાવ્યો હતો કે, વીઆઇપી લોકોના નામ છુપાવીને તેમને બચાવવામાં આવી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો ?
પૌડીના યમકેશ્વર બ્લોકમાં રહેનાર 22 વર્ષીય અંકિતા ભંડારી વનંતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. વનંતારા રિસોર્ટના માલિક પુલકિત આર્યાએ અંકિતા પાસે અઘટીત માંગણી કરી હતી. પરંતુ અંકિતાએ તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તે નોકરી પણ છોડવાની હતી. પુલકિત આર્યાને ડર હતો કે નોકરી છોડ્યા પછી અંકિતા ભંડારી તેનો પર્દાફાશ કરશે. તેથી તે 18 સપ્ટેમ્બર 2022ના રોજ અંકિતાને રિસોર્ટની બહાર નહેર પાસે લઇ ગયો અને તેને ધક્કો મારીને મારી નાંખી હતી. આ ઉપરાંત તેણે અંકિતાના પરિવારજનોને પણ ગુમરાહ કર્યા હતા. પોલીસે આ મામલે રિસોર્ટના કર્મચારી સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાની પણ ધરપકડ કરી હતી. ઘટનાના એક અઠવાડિયા બાદ અંકિતાનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. સરકારે આ મામલે એસઆઇટીની પણ રચના કરી હતી. એસઆઇટીએ 500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કુલ 97 સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે. જેમાંથી 47 સાક્ષીઓના નિવેદન દાખલ કરાયા છે. હવે અંકિતા ભંડારી મર્ડર કેસમાં 30 મેના રોજ ચુકાદો આવશે.