ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગ સમજૂતી બાદ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. આર્મી ચીફે કહ્યું કે, અમે વિશ્વાસ પુનઃનિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આર્મી ચીફના જણાવ્યા અનુસાર સરહદ પર બન્ને દેશો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જરૂરી છે અને અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચીને સૈન્ય અવરોધને સમાપ્ત કરવા માટે ભારત સાથે સમજતી થયાની પુષ્ટિ કરી છે.


ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા આપ્યું નિવેદન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ભારત અને ચીન બન્ને દેશો વચ્ચે સરહદ સંબંધિત મુદ્દાઓ પર રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા નજીકના સંપર્કમાં છે. હવે બન્ને પક્ષો એક ઉકેલ પર પહોંચી ગયા છે જેની ચીન ખૂબ પ્રશંસા કરે છે. જિયાને કહ્યું કે, ચીન આ પ્રસ્તાવોને લાગુ કરવા માટે ભારત સાથે મળીને કામ કરશે.

બન્ને પક્ષો LAC પર પેટ્રોલિંગ કરવા માટેના સમજૂતી પર સંમત

ભારતે જાહેરાત કરી હતી કે બન્ને પક્ષો પૂર્વી લદ્દાખમાં LAC પર પેટ્રોલિંગ કરવા માટેના સમજૂતી પર સંમત થયા છે. આ સમજૂતીને પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી સૈન્ય ગતિરોધને ઉકેલવાની દિશામાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. 15 જૂન 2020ના રોજ ગલવાન ખીણમાં અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હતા. આ અથડામણ છેલ્લા કેટલાક દાયકાઓમાં બન્ને પક્ષો વચ્ચેની સૌથી ઘાતક સૈન્ય અથડામણ હતી.

આર્મી ચીફે શું કહ્યું?

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, અમે એપ્રિલ 2020ની યથાસ્થિતિ પર પાછા જવા માંગીએ છીએ. આ પછી અમે સૈનિકોને પાછા ખેંચવા, તણાવ ઘટાડવા અને LAC પર સામાન્ય સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. એપ્રિલ 2020થી અમારું આ જ વલણ રહ્યું છે. અત્યાર સુધી અમે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ત્યારે જ થશે જ્યારે આપણે એકબીજાને સમજાવવા અને ખાતરી આપી શકીએ કે આપણે બનાવેલા બફર ઝોનમાં પ્રવેશતા નથી.

સંપૂર્ણ સમજૂતી શું છે?

સોમવારે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય અઠવાડિયાથી બન્ને પક્ષો વચ્ચેની વાતચીત બાદ આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આનાથી 2020માં ઊભી થયેલી મડાગાંઠના નિરાકરણનો માર્ગ મોકળો થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતીય અને ચીનના સૈનિકો ફરી એકવાર તે જ રીતે પેટ્રોલિંગ શરૂ કરી શકશે જેવી રીતે તેઓએ સરહદી સંઘર્ષ શરૂ થયા પહેલા કરતા હતા અને ચીન સાથે સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

આ એક સકારાત્મક પગલું છે: એસ જયશંકર

એવું માનવામાં આવે છે કે આ સમજૂતી ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગની શરૂઆત કરશે, કારણ કે ઘણા મુદ્દાઓ પર બન્ને વિસ્તારોમાં મડાગાંઠ હતી. જયશંકરે કહ્યું કે, મને લાગે છે કે આ એક સારું પગલું છે. આ એક સકારાત્મક પગલું છે અને હું કહીશ કે આ ખૂબ જ સંયમિત અને ખૂબ જ દૃઢ ડિપ્લોમસિનું પરિણામ છે.

ડેપસાંગ સહિતના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગની મંજૂરી

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, અમારી વચ્ચે એક સમજૂતી થઈ છે, જે માત્ર ડેપસાંગમાં જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગની મંજૂરી આપશે. મને લાગે છે કે આ સમજૂતી દ્વારા અમે 2020માં જ્યાં અમે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકીશું. તેમણે કહ્યું કે, 2020 પહેલા LAC પર શાંતિ હતી અને અમે આશા રાખીએ છીએ કે અમે તે સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ થઈશું.

  • Follow us on: