Operation sindoor બાદ દુશ્મન દેશ પાકિસ્તાન અને તેના સમર્થકો ચીન, તુર્કીયે ઉપરાંત દુનિયાના અન્ય દેશોને પણ ભારતની સંરક્ષણ તાકાતની સાબિતી મળી ગઈ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ તાજેતરમાં કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માટેના સોદાની જાહેરાત કરી છે. આ હેલિકોપ્ટર 15 હજાર ફૂટની ઊંચાઈથી નિશાન તાકીને રાત્રે પણ મિસાઈલથી હુમલો કરશે. જાણો આ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ વિશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના 156 હળવા લડાયકૂ હેલિકોપ્ટર ખરીદવા માટે 62 હજાર કરોડના સોદાને મંજૂરી અપાઈ હતી. બેંગલુરુ અને કર્ણાટકના તુમકુરમાં હેલિકોપ્ટરનું ઉત્પાદન થશે. આવા હેલિકોપ્ટર ઊંચાઈ ઉપરથી પણ હુમલો કરી શકતા હોવાના કારણે ચીન અને પાકિસ્તાન સાથેની આપણી સરહદો પર રક્ષા વધુ મજબૂત બનશે.
આત્મનિર્ભરતા સાથે ઉત્પાદન
‘મેક ઇન ઇન્ડિયા’ દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવા પર પણ ભાર મૂકે છે. આ શક્તિશાળી હેલિકોપ્ટર બહુ-ભૂમિકા ધરાવતું લડાયક હેલિકોપ્ટર છે. HAL દ્વારા ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. હવે ભારતીય સેનામાં કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ના આગમનથી પાકિસ્તાન અને ચીન ધ્રુજી ઉઠે તો નવાઈ જેવુ રહેશે નહીં.
- કારગિલ યુદ્ધ પછીની ફળશ્રુતિ : 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન સંરક્ષણ મંત્રાલયને ઊંચાઈ પર ઉપયોગી થાય તેવા સ્ટીલ્થ હેલિકોપ્ટરની જરૂરિયાતનો અહેસાસ થયો. ‘પ્રચંડ’ 15 હજાર ફૂટથી વધુ ઊંચાઈએ પણ સરળતાથી કામ કરી શકે છે. પરિણામે હિમાલયન વિસ્તારની સરહદો અને ઊંચા પ્રદેશો માટે ખૂબ ઉપયોગી છે.
- દુશ્મનની સંરક્ષણ સિસ્ટમ કરવાની શક્તિ : હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, ટેન્ક વિરોધી ગાઇડેડ મિસાઇલો અને રોકેટ છોડી શકાય છે. તેમાં દુશ્મનની હવાઈ સંરક્ષણ સિસ્ટમનો નાશ કરવાની શક્તિ છે. આ વિશ્વનું એકમાત્ર સ્ટીલ્થ હેલિકોપ્ટર છે જે 16,400 ફૂટની ઊંચાઈએ ઉતરી અને ઉડી શકે.
- અંધારામાં સચોટ હુમલો કરવાની ક્ષમતા : નાઇટ વિઝન અને ઇન્ફ્રારેડ સિસ્ટમથી સજ્જ હોવાથી અંધારામાં સચોટ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ટેક્નોલોજીના પરિવર્તનનાં કારણે રડાર ચેતવણી રીસીવર, મિસાઇલ ચેતવણી સિસ્ટમ અને લેસર ચેતવણી સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે.
- પ્રચંડની ગતિ 463 કિમી પ્રતિ કલાક : પ્રચંડની મહત્તમ ગતિ 288 માઇલ એટલે કે 463 કિમી પ્રતિ કલાક હશે. માર્ચ 2010 માં પ્રથમ વખત હળવા લડાયક હેલિકોપ્ટરનું પ્રથમ પ્રોટોટાઇપ ઉડાન ભર્યું અને સિયાચીન ગ્લેશિયર સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં સફળતાપૂર્વક ઉતરાણ અને ઉડાન ભરવાની ક્ષમતા જોવા મળી છે. પ્રચંડ વિદેશી હેલિકોપ્ટર કરતા ઘણું સસ્તું છે.
- માર્ચ 2028 થી ડિલિવરી શરૂ થશે : HAL એ જણાવ્યું કે, માર્ચ 2028 થી ડિલિવરી શરૂ થશે. કુલ 156 પ્રચંડ હેલિકોપ્ટર બનાવવામાં આવશે, જેમાંથી 66 ભારતીય વાયુસેનાને અને 90 સેનાને આપવામાં આવશે. સાડા પાંચથી છ વર્ષમાં આ બધા હેલિકોપ્ટર આપી દેશે તેવું લક્ષ્ય છે.