ભારતે પાકિસ્તાન સામે કરેલી યુદ્ધ જેવી Operation Sindoor ની કાર્યવાહી બાદ ભારતના સાંસદોનું પ્રતિનિધિમંડળ બહેરીન પહોંચ્યું છે. ત્યાં પાકિસ્તાન અને ત્યાંના રાષ્ટ્રપતિ શાહબાઝ શરીફ ઉપર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે સ્પસ્ટ જણાવી દીધું કે પાકિસ્તાન એટલે નિષ્ફળ દેશ.


બહેરીનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભાજપના સાંસદ બૈજયંત પાંડા કરી રહ્યા છે. પ્રતિનિધિમંડળના સભ્ય એવા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને 'નિષ્ફળ રાષ્ટ્ર' ગણાવીને તેની નીતિઓની આકરી ટીકા કરી. બહેરીનમાં આપણા સાંસદો અનેક અગ્રણી લોકોને મળ્યા અને આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરી. દરમિયાન, AIMIM ચીફ ઓવૈસીએ કહ્યું, "અમારી સરકારે અમને અહીં મોકલ્યા છે, જેથી દુનિયાને સમજાવી શકાય કે ભારત છેલ્લા ઘણા વર્ષોથી કેવા પ્રકારના ખતરાનો સામનો કરી રહ્યું છે.

સમસ્યાનું મૂળ પાકિસ્તાન : કડક જવાબ અપાશે 

દુર્ભાગ્યવશ, ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા છે. આ સમસ્યાનું મૂળ પાકિસ્તાન છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને ટેકો આપવાનું, મદદ કરવાનું અને પ્રાયોજિત કરવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ ખતરો રહેશે." એમ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું. ભારત પોતાના લોકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યું છે અને જો પાકિસ્તાન ફરી કોઈ ભૂલ કરશે તો આ વખતે કડક જવાબ આપવામાં આવશે.

પહેલગામમાં મહિલા લગ્નના 7 માં દિવસે વિધવા બની ગઈ

પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ જણાવ્યું કે, પહેલગામના હુમલાએ સામાન્ય લોકોના જીવનને ખંડિત કર્યા. તેમણે કહ્યું, એક મહિલાના લગ્નને ફક્ત છ દિવસ થયા હતા, તે સાતમા દિવસે વિધવા બની ગઈ. બીજી એક મહિલાના લગ્ન બે મહિના પહેલા થયા હતા, તેના પતિનું પણ હુમલામાં મૃત્યુ થયું હતું.

આતંકવાદીઓને ભંડોળ રોકવા વિશ્વને અપીલ

ભારત પાસે મજબૂત સંરક્ષણ ટેકનોલોજી અને તાકાત છે. આતંકવાદીઓને ભંડોળ રોકવામાં મદદ કરવા વિશ્વને અપીલ કરાઇ છે. બહેરીન સરકારને પણ અપીલ કરી કે, તેઓ પાકિસ્તાનને FATF ગ્રે લિસ્ટમાં પાછું મૂકવામાં ભારતને મદદ કરે. કારણ કે, પાકિસ્તાનના પૈસાનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થઈ રહ્યો છે. આ પ્રતિનિધિમંડળના સભ્યોમાં નિશિકાંત દુબે, ફાંગનોન કોન્યાક, રેખા શર્મા, સતનામ સિંહ સંધુ, ગુલામ નબી આઝાદ અને રાજદૂત હર્ષ શૃંગલા સામેલ છે.

  • Follow us on: