• દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી સ્વીકારી લીધી
  • આ વચગાળાના જામીન 1 જૂન સુધી મંજૂર કર્યા છે
  • એફિડેવિટ તપાસ એજન્સીને મદદ કરી શકી નથી

સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડના આરોપમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી સ્વીકારી લીધી છે. કોર્ટે આ વચગાળાના જામીન 1 જૂન સુધી મંજૂર કર્યા છે. ગુરુવારે, અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ પહેલા, તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રીની અરજીનો વિરોધ કરીને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, પરંતુ આ એફિડેવિટ તપાસ એજન્સીને મદદ કરી શકી નથી અને કોર્ટે દિલ્હીના સીએમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.

2 જૂને કેજરીવાલને ફરી હાજર થવાનું રહેશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 1 જૂન સુધી વચગાળાની મુક્તિ આપવાના છીએ. 2 જૂને કેજરીવાલને ફરી હાજર થવાનું રહેશે. વચગાળાના જામીનની શરતો પર કોર્ટે કંઈ કહ્યું નથી. વકીલના મતે ચૂંટણી પ્રચાર પર કોઈ પ્રતિબંધ નથી.

દિલ્હીની તમામ સાત સીટો પર 25 મેના રોજ મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તપાસ એજન્સીએ કેજરીવાલ વિરુદ્ધ આ 6 દલીલો આપી હતી જે કામ ન આવી.

1- EDએ કહ્યું હતું કે રાજકારણી સામાન્ય નાગરિકની સરખામણીમાં કોઈ વિશેષાધિકારનો દાવો કરી શકે નહીં. જો તે ગુનો કરે છે, તો તેની ધરપકડ કરી શકાય છે અને અન્ય નાગરિકોની જેમ અટકાયત કરી શકાય છે.

2- EDના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે રાજકારણી સાથે ખેડૂત અથવા બિઝનેસમેનથી અલગ વર્તન કરવું યોગ્ય નથી.

3- એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે જો ચૂંટણી પ્રચારને વચગાળાના જામીનનો આધાર બનાવવામાં આવશે તો તે કલમ 14નું ઉલ્લંઘન હશે. આ આધારે, કોઈપણ ગુનામાં જેલમાં હોય તે ખેડૂત પણ પાક કાપવા માટે જામીન માંગી શકે છે અથવા કોઈ કંપનીના ડિરેક્ટર કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવા માટે જામીન માંગી શકે છે.

4- એજન્સીએ કહ્યું કે પ્રચારનો અધિકાર ન તો મૂળભૂત છે, ન તો બંધારણીય કે કાયદાકીય અધિકાર.

5- એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ રાજકારણીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી.

6- વધુમાં, ED એ દલીલ કરી હતી કે પાંચ વર્ષમાં લગભગ 123 ચૂંટણીઓ થઈ છે અને જો ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવશે, તો કોઈ પણ રાજકારણીની ધરપકડ કરી શકાશે નહીં અથવા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકાશે નહીં કારણ કે આખું વર્ષ ચૂંટણી થાય છે.

અરવિંદ કેજરીવાલની લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ કેજરીવાલ આજે તિહાર જેલમાંથી બહાર આવી શકે છે.

  • Follow us on: