- અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી
- કોર્ટે કેજરીવાલની જામીન અરજી અંગે સીબીઆઇને નોટિસ
- હવે વધુ સુનાવણી 17 જુલાઇએ
દિલ્હી હાઇકોર્ટમાં આજે સીએમ અરવિંદ કેજરીવાલની લીકર પોલિસી સ્કેમ મામલે સીબીઆઇ કેસમાં દાખલ અરજી પર સુનાવણી થઇ હતી. જેમાં કોર્ટે જામીન માંગતી અરવિંદ કેજરીવાલની અરજી પર સીબીઆઇને નોટિસ પાઠવી. હવે આ મામલે વધુ સુનાવણી 17 જુલાઇએ થશે.
કેજરીવાલના વકીલે શું કહ્યું ?
આ દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ કેસમાં ચાર લોકોને જામીન આપવામાં આવ્યા છે. સામાન્ય જામીનના કેસમાં તેઓને કયા આધારે જેલમાં રાખવામાં આવે છે? આ કેસમાં કેજરીવાલની 2 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 2023માં કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરવામાં આવી. જ્યારે કેજકીવાલને PMLA કેસમાં જામીન મળી ગયા તો સીબીઆઇ ફરીથી ધરપકડ કરી લે છે. તેઓ કોઇ ઘોષિત ગુનેગાર કે આતંકવાદી નથી.
સીબીઆઇએ કર્યો વિરોધ
આ મામલે સીબીઆઈએ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે જામીન માટે પ્રથમ કોર્ટ ટ્રાયલ કોર્ટ હોવી જોઈએ. તેણે ધરપકડને પડકારી છે, તે અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, હાઈકોર્ટે કહ્યું કે તમને સેશન્સ જજ દ્વારા પ્રથમ સુનાવણીનો લાભ મળશે, કોર્ટની ક્ષમતા પર કોઈ પ્રશ્ન નથી.
તમે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા- હાઇકોર્ટ
કોર્ટે સિંઘવીને પૂછ્યું કે તમે જામીન માટે સીધા હાઈકોર્ટમાં આવ્યા છો, તમે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા? આના પર સિંઘવીએ કહ્યું, 'માય લોર્ડ! આવુ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે તેના અગાઉના નિર્ણયોમાં પણ આ વાત કહી છે. બાદમાં હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ચર્ચા દરમિયાન સીધા હાઈકોર્ટમાં જવા અંગે કેજરીવાલની દલીલો ધ્યાનમાં લેવામાં આવી હતી.