- દિલ્હી સીએમ કેજરીવાલની સીબીઆઇએ કરી છે ધરપકડ
- સીબીઆઇએ કહ્યુ મની ટ્રેઇલના પુરાવા છે
- ઇડી બાદ હવે સીબીઆઇનો સકંજો
દિલ્હી લીકર પોલીસી સ્કેમ મામલે સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઇ હતી. કેજરીવાલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યુ છે તે સાચુ નથી. મે એવુ કોઇ નિવેદન આપ્યુ નથી કે મનીષ સિસોદિયા દોષી છે. મે કહ્યું હતું કે તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું. મહત્વનું છે કે સીબીઆઇએ કેજરીવાલની પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ 3 દિવસના જ રિમાન્ડ મંજૂર થયા છે.
29જૂને કરાશે કોર્ટમાં રજૂ
અરવિંદ કેજરીવાલને 29 જૂન સાંજે 7 વાગ્યા પહેલા કોર્ટમાં રજૂ કરવાના રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલના 3 દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલ્યા છે.
સીબીઆઇએ કરી હતી ધરપકડ
આ પહેલા કોર્ટે સીબીઆઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઔપચારિક રીતે ધરપકડ કરવાની પરવાનગી આપી હતી. સ્પેશિયલ જજ અમિતાભ રાવતના આદેશ બાદ CBIએ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટને કેજરીવાલની ધરપકડ કરવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી
સીબીઆઈની ધરપકડ બાદ સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પાછી ખેંચી લીધી હતી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેજરીવાલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા ઈચ્છે છે. સિંઘવીએ બેન્ચને કહ્યું કે ઘટનાક્રમ દરરોજ નવા આકાર લઈ રહ્યો છે અને હવે કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી
આમ આદમી પાર્ટી (AAP) નેતા કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને 20 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ તેને 2022 માં રદ કરવામાં આવી હતી.