મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને શાબ્દિક વોર તેજ બન્યુ છે. ગઇકાલે શિવસેના યુબીટીના અરવિંદ સાવંતે મુંબા દેવી સીટ પરથી શિવસેના શિંદેના ઉમેદવાર શાઇના એનસીને વિવાદિત શબ્દ કહેતા મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે હવે આજે તેમણે પોતાના નિવેદન બદલ માફી માગી છે. તેણે કહ્યું છે કે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયુ હતું. મારા 55 વર્ષના રાજકીય જીવનમાં ક્યારેય મહિલાનું અપમાન કર્યુ નથી.
હું માફી માગુ છું- અરવિંદ સાવંત
અરવિંદ સાવંતે વધુમાં કહ્યું કે જો મારા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું અને સંપૂર્ણ સન્માન આપું છું. સુર્પણકા, રેવન્ના રેડ્ડી, મણિપુરની ઘટના.. આ બધાને લઈને શું નિવેદનબાજી થઇ ? આશિષ શેલારે કિશોરી પેડનેકર વિશે શું કહ્યું? રામે કસમ વાળુ નિવેદન, અબ્દુલ સત્તારે સુપ્રિયા સુલે વિશે શું કહ્યું ? શું તમામ ઘટનાઓમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી? મારી માંગ છે કે આવી તમામ ઘટનાઓમાં એફઆઈઆર નોંધાવી જોઈએ.
મારો આવો ઇરાદો ન હતો
અરવિંદ સાવંતે કહ્યું કે આ માત્ર રાજકીય લાભ લેવા માટે કરવામાં આવ્યું હતું. મારો એવો કોઈ ઈરાદો નહોતો. ફરી એકવાર હું કહેવા માંગુ છું કે જો મારા નિવેદનોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.
અરવિંદ સાવંતે શું કહ્યું હતું?
જ્યારે શાઇના એનસીને મહાયુતિના ઉમેદવાર બનાવવામાં આવી ત્યારે અરવિંદ સાવંતે કહ્યું હતું કે તેની હાલત જુઓ... તે આખી જિંદગી ભાજપમાં જ રહી. એકનાથ શિંદેની શિવસેના તરફથી ટિકિટ મળી. આયાતી નહી ચાલે. અમીન પટેલ જ મૂળ ઉમેદવાર છે.
શાઇના એનસીએ નોંધાવી હતી ફરિયાદ
મુંબઈની મુંબાદેવી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર શાઈના એનસીએ શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે. સાવંતે શિવસેનાના ઉમેદવાર માટે અભદ્ર ટિપ્પણી કરી હતી જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો. શાઈના એનસીએ કહ્યું કે હું એક મહિલા છું. આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઇએ. ઉદ્ધવ ઠાકરે ચૂપ છે, નાના પટોલે ચૂપ છે પણ મુંબઈની મહિલાઓ ચૂપ નહીં રહે.