લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી કોઇને કોઇ નિવેદનથી હાલ ચર્ચામાં રહે છે. RSS, BJP તથા અનામતને લઇને વિવિધ નિવેદનો આપ્યા છે. ત્યારે આ મામલે રાહુલ ગાંધીને અમિત શાહે વળતો પ્રહાર કર્યો છે. રાહુલગાંધીએ અનામતને લઇને આપેલા નિવેદન પર કહ્યું કે અનામતને કોઇ હાથ પણ નહી લગાવી શકે.


દેશની સુરક્ષા અને ભાવનાને ઠેસ પહોંચાડી છે- અમિત શાહ

રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા અમિત શાહે ટ્વિટ કર્યુ કે રાષ્ટ્રવિરોધી વાતો કરવી અને દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલી શક્તિઓ સાથે ઊભા રહેવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં જેકેએનસીના રાષ્ટ્રવિરોધી અને અનામત વિરોધી એજન્ડાને સમર્થન આપવું હોય કે વિદેશી મંચો : પર ભારત વિરોધી બોલવું હોય, રાહુલ ગાંધીએ હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

અનામત વિરોધી ચહેરો દેશ સામે આવ્યો- અમિત શાહ

ભાષાથી ભાષા, પ્રદેશથી પ્રદેશ અને ધર્મથી ધર્મના ભેદભાવની વાત રાહુલ ગાંધીની વિભાજનકારી વિચારસરણી દર્શાવે છે. દેશમાંથી અનામત નાબૂદ કરવાની વાત કરીને રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો દેશની સામે લાવી દીધો છે. મનમાં રહેલા વિચારો કોઈને કોઈ માધ્યમથી બહાર આવે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ સ્પર્શી શકશે નહીં અને દેશની એકતા સાથે કોઈ ખેલ નહીં કરી શકે.


રાહુલ ગાંધી શું બોલ્યા હતા ?

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં સંવાદ કર્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીએ તેમને અનામત અંગે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યું હતું કે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે? આના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે ભારતમાં આરક્ષણના સંદર્ભમાં નિષ્પક્ષતા હશે ત્યારે અમે અનામત સમાપ્ત કરવા વિશે વિચારીશું. હાલ ભારત એક નિષ્પક્ષ જગ્યા નથી.


  • Follow us on: