- ખોટા એન્કાઉન્ટરો કરીને ભાજપ સરકારનો ધ્યાન હટાવવાનો પ્રયાસ: અખિલેશ યાદવ
- ભાજપ કોર્ટમાં વિશ્વાસ નથી રાખતી: સપા નેતા
- ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે: અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશમાં વિપક્ષનો મુખ્ય ચહેરો અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે અતિક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે ખોટા એન્કાઉન્ટરો કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, 'ભાજપ કોર્ટમાં વિશ્વાસ નથી રાખતી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ના આવે. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી. ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, UP STFએ ઝાંસીથી બબીના રોડ પર અતિકના પુત્રનું એન્કાઉન્ટર કર્યું હતું. તેની સાથે ગુલામ મોહમ્મદ શૂટર પણ માર્યો ગયો. પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસ બાદથી હત્યારાઓ ફરાર હતા. તેમના પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું.
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ સીએમ યોગી આદિત્યનાથે ગુરુવારે 'કાયદો અને વ્યવસ્થા' પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સીએમ યોગીએ એન્કાઉન્ટરમાં સામેલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની પણ પ્રશંસા કરી હતી. યુપી સીએમઓના જણાવ્યા અનુસાર, યોગીને એન્કાઉન્ટર અંગે મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા જાણ કરવામાં આવી હતી.