હરિયાણાની અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમુદાબાદને 'ઓપરેશન સિંદૂર' પર ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. પ્રોફેસરે કરેલી ટિપ્પણી બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે હવે વિવાદ વધી ગયો છે. અલી ખાન પર પાકિસ્તાન અને પીઓકે સ્થિત આતંકવાદી સંગઠનો વિરુદ્ધ ભારતના 'ઓપરેશન સિંદૂર' વિશે સોશિયલ મીડિયા પર ખોટી ટિપ્પણીઓ કરવાનો આરોપ છે.
કોણ છે પ્રોફેસર અલી ખાન?
અલી ખાન મહમુદાબાદ ખાનગી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર છે. ઓપરેશન સિંદૂર પરની ટિપ્પણીઓ બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના એક સભ્ય દ્વારા પ્રોફેસર ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ તેમને દિલ્હીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હરિયાણા રાજ્ય મહિલા આયોગે તેમને આ ટિપ્પણી અંગે નોટિસ પણ જાહેર કરી હતી.
મહમુદાબાદ સામે શું આરોપો?
અગાઉ મહિલા આયોગની નોટિસમાં સમાવિષ્ટ એક ફેસબુક પોસ્ટ અનુસાર, મહમૂદબાદે કહ્યું હતું કે, "મને ખુશી છે કે ઘણા બધા દક્ષિણપંથી ટિપ્પણીકારો કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ કદાચ તેઓ એટલા જ જોરથી માગ કરી શકે છે કે ભીડની હિંસા, મનસ્વી બુલડોઝર કાર્યવાહી અને ભાજપની નફરતની રાજનીતિનો ભોગ બનેલા ભારતીય નાગરિકોને પણ રક્ષણ આપવામાં આવે." મહિલા આયોગે નોટિસમાં કહ્યું છે કે તેમની ટિપ્પણીઓ ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલા અધિકારીઓને નબળી પાડે છે અને સાંપ્રદાયિક વિખવાદને પ્રોત્સાહન આપે છે. નોટિસના જવાબમાં મહમૂદબાદે કહ્યું કે ઓપરેશન સિંદૂર અને તેમાં સામેલ મહિલા અધિકારીઓ પરની તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ મહિલા વિરોધી નથી.
અશોક યુનિવર્સિટીએ આપ્યું નિવેદન
ત્યારે અશોક યુનિવર્સિટીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને આજે સવારે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે આ બાબતને લગતી માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. યુનિવર્સિટી પોલીસ અને સ્થાનિક અધિકારીઓને સંપૂર્ણ સહયોગ કરશે અને તપાસમાં મદદ કરશે. જ્યારે પ્રોફેસરે કહ્યું, નોટિસ સાથે જોડાયેલા સ્ક્રીનશોટ સ્પષ્ટ કરે છે કે મારી ટિપ્પણીને સંપૂર્ણપણે ગેરસમજ કરવામાં આવી છે અને આયોગને આ મામલે કોઈ અધિકારક્ષેત્ર નથી. મહિલા આયોગ એક એવી સંસ્થા છે જે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જોકે, મને જાહેર કરાયેલા સમન્સ એ વાત પર પ્રકાશ પાડતું નથી કે મારી પોસ્ટ મહિલા અધિકારો કે કાયદાઓની વિરુદ્ધ કેવી છે.