બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ અને સંલગ્ન સંગઠનોના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા . અયોધ્યામાં સંતોના નેતૃત્વમાં જન આક્રોશ રેલી નીકળી હતી. આ રેલી મંગળવારે અયોધ્યાના ઐતિહાસિક ગુલાબવાડી મેદાનથી શરૂ થઈ હતી અને શહેરના વિવિધ માર્ગો પરથી ગાંધી પાર્ક માટે રવાના થઇ હતી. આ રેલીમાં  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય  પણ જોડાયા હતા. 


ચંપતરાયે શું કહ્યું ?

રેલીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય પણ સામેલ થયા હતા. તેમણે પોતાના સંબોધનમાં કેન્દ્રની મોદી સરકારને બાંગ્લાદેશ મામલે સીધુ જ હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રશાસને આ અંગે પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દીધા હતા.

રામમંદિરના મુખ્ય પૂજારીએ શું કહ્યું ?

રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ પ્રભુના વકીલ પર થયેલા હુમલાને ખૂબ જ ડરામણો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ બિલકુલ સુરક્ષિત નથી. અમને ખબર નથી કે ત્યાં અત્યાર સુધીમાં કેટલા હિન્દુઓની હત્યા થઈ છે. તેમણે કહ્યું કે ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો સફાયો થઈ જશે.


  • Follow us on: