- અયોધ્યામાં એનએસજી સેન્ટર ખોલી શકે છે સરકાર
- સૂત્રો દ્વારા મળી છે માહિતી
- હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા નથી લેવાયો કોઇ નિર્ણય
રામનગરી અયોધ્યામાં કેન્દ્રની એનડીએ સરકાર મોટો નિર્ણય લઇ શકે છે. સૂત્રોના દાવા મુજબ અયોધ્યામાં નેશનલ સિક્યુરીટી ગાર્ડનું એક સેન્ટર શરૂ કરવામાં આવી શકે છે. ત્યારે સવાલ એ થાય કે અયોધ્યામાં NSG સેન્ટર ખોલવાની કેમ ફરજ પડી . જો કે આ મામલે હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે.
કેમ ખોલવા માંગે છે NSG સેન્ટર?
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર અયોધ્યામાં NSG સેન્ટર ખોલવા માંગે છે જેથી ઈમરજન્સીની સ્થિતિમાં NSG જલદી નજીકના ધાર્મિક સ્થળો પર પહોંચી શકે. સુરક્ષા દળોનું કેન્દ્ર અયોધ્યામાં રાખવાનો હેતુ છે કે રામનગરીની સાથે સાથે વારાણસી, ગોરખપુર, મથુરા સહિત તમામ વિસ્તારો સુધી એનએસજી જલદીથી પહોંચી શકે.
UPSSF પાસે રામમંદિરની સુરક્ષા
મહત્વનું છે કે હાલ રામ મંદિરની સુરક્ષાની જવાબદારી UPSSF અને UP પોલીસની છે. આ વર્ષે 22 જાન્યુઆરી, 2024 ના રોજ, રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો. જે બાદ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. એવામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો NSG કેન્દ્ર દ્વારા તાત્કાલિક અસરથી સામનો કરી શકાય છે.
UPSSF શું છે?
ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે UPSSF. UPSSFને યોગી સરકારે મંજૂરી આપી હતી. અત્યાર સુધી તેની પાસે ગોરખપુર, પ્રયાગરાજ, મથુરા, સહારનપુર અને લખનૌની બટાલિયન છે જેમાં લગભગ 10,000 સૈનિકો છે. જે માટે પસંદ કરાયેલ ઉમેદવારોએ નિયત તાલીમ પાસ કરવાની રહે છે. પસંદ થયેલા ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવે ચે. 9 મહિનાનો ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે જેમાં 6 મહિનાની ફાઉન્ડેશન ટ્રેનિંગ જ્યારે 3 મહિનાની સ્પેશિયલ ટ્રેનિંગ હોય છે. સ્પેશિયલ ટ્રેનિંગમાં સ્નાઈપર, BDDS, AS ચેક અને કમાન્ડો તાલીમ વગેરેનો સમાવેશ થાય છે.
NSG શું છે?
એનએસજીની રચના આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે કરવામાં આવી હતી. વર્ષ 1984માં કેન્દ્રીય કેબિનેટે NSGની રચના કરવાનો નિર્ણય લીધો હતો. ઓગસ્ટ 1986માં સંસદમાં NSG માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને તેને 22 સપ્ટેમ્બર, 1986ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી અને તે તારીખથી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ઔપચારિક રીતે અસ્તિત્વમાં આવ્યું હતું.