બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે તેનાથી સૌ કોઇ વાકેફ છે. ઇસ્કોનના વડા ચિન્મય દાસની ધરપકડ પણ કરવામાં આવી છે. તેઓની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના આવા વર્તનને લઇને કડક શબ્દોમાં નિંદા કરી હતી. ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ મામલે પોતાનું મૌન તોડ્યુ છે. તેમણે આ મામલે મોદી સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.


મમતાએ શું કહ્યું?

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈપણ ધર્મના લોકોને નુકસાન થાય. મેં કોલકાતા સ્થિત ઈસ્કોન સાથે પણ વાત કરી છે. જો કે આ બીજા દેશની વાત છે, તેથી કેન્દ્ર સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ. અમે આ મામલે મોદી સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું.

ટીએમસી નેતાઓએ કરી હતી ટીકા 

મમતા બેનર્જી પહેલા તેમની પાર્ટીના ઘણા નેતાઓએ બાંગ્લાદેશ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ટીએમસીના નેતા અભિષેક બેનર્જી અને વરિષ્ઠ નેતા સૌગત રોયે પણ કેન્દ્ર સરકારને પગલાં લેવાની અપીલ કરી હતી. અભિષેક બેનર્જીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઈએ.

વિપક્ષ મૌન કેમ - ગિરિરાજસિંહ 

આ તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બાંગ્લાદેશ હિંસાની ટીકા કરી હતી અને સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓ પર હુમલો અને ધર્મગુરુની ધરપકડ અત્યંત શરમજનક છે. વિપક્ષ આ મુદ્દાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યો છે.


શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે સોમવારે સવારે બાંગ્લાદેશ પોલીસે ઈસ્કોનના વડા શ્રી ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. તેમની સામે દેશદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે પણ ઔપચારિક નિવેદન જારી કરીને આ ધરપકડની ટીકા કરી છે.


  • Follow us on: