બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારના અહેવાલો વચ્ચે ચટગામ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન મંદિર પક્ષે જણાવ્યું હતું કે ચિન્મય પ્રભુની કથિત રીતે ઢાકા પોલીસની ડિટેક્ટીવ શાખાના અધિકારીઓએ ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારના પતન પછી હિન્દુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. શુક્રવારે જ તેમણે રંગપુરમાં એક વિશાળ વિરોધ રેલીને સંબોધિત કરી હતી.
22 નવેમ્બરે યોજી હતી રેલી
બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ઢાકા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરી છે. ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી. માનવામાં આવે છે કે તેના કારણે ચિન્મય કૃષ્ણ પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
લઘુમતી હિંદુઓ નિશાના પર
ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારના પતન પછી હિન્દુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. શુક્રવારે જ તેમણે રંગપુરમાં એક વિશાળ વિરોધ રેલીને સંબોધિત કરી હતી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં રહેતા લઘુમતી હિંદુઓ નિશાના પર છે. આંદોલન દરમિયાન હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના મહેરપુરના ખુલનામાં સ્થિત ઈસ્કોન મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
હિંદુ મંદિરોને લઇને વ્યક્ત કરી હતી ચિંતા
આ હુમલાને લઈને ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે હિંદુ સમુદાય પોલીસ અને ચટગાંવમાં રેપિડ એક્શન બટાલિયનને મદદ માટે વિનંતી કરી રહ્યો છે પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. ચિન્મય પ્રભુએ કહ્યું હતું કે, 'ઘણા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા થઈને ભારતમાં ભાગી રહ્યા છે.'