- ઘણા બાંગ્લાદેશી નાગરિકોએ બાંગ્લાદેશથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો
- બાંગ્લાદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ પર જૂથોમાં એકઠા થયા હતા
- આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો
બાંગ્લાદેશમાં હાલમાં હિંસાનું વાતાવરણ છે અને આ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ પર અલગ-અલગ સ્થળોએ એકઠા થયા હતા અને ભારત આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને દૂર કરવામાં આવ્યા હતા. આનાથી ખ્યાલ આવે છે કે પાડોશી દેશમાં સ્થિતિ કેટલી ગંભીર છે.
બાંગ્લાદેશી નાગરિકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો - BSF
બીએસએફ અધિકારીએ જે ઘટના વિશે જણાવ્યું છે તે ઉત્તર બંગાળની છે. પશ્ચિમ બંગાળની બાંગ્લાદેશ સાથે 2,217 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે અને એવું લાગે છે કે બાંગ્લાદેશી નાગરિકોએ દેશની બગડતી પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે.
બાંગ્લાદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ પર જૂથોમાં એકઠા થયા હતા - BSF
BSFના એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, 'આજે સાંજે ઉત્તર બંગાળમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે વિવિધ સ્થળોએ બાંગ્લાદેશી નાગરિકોનું એક મોટું જૂથ જૂથોમાં એકત્ર થયું હતું. તેઓએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
બીએસએફ અધિકારીના જણાવ્યા મુજબ બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને બીએસએફના જવાનોની મદદથી બાંગ્લાદેશી નાગરિકોને સરહદથી દૂર ખસેડવામાં આવ્યા હતા.
બીએસએફના ડીજી સહિત વરિષ્ઠ કમાન્ડર સરહદ પર રાખી રહ્યા છે નજર
બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સરહદે આવેલા ભારતીય રાજ્યોની સુરક્ષા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4,096 કિલોમીટર લાંબી સરહદ છે, જેની સુરક્ષા પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરીએ પણ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બાણગાંવ ખાતે પેટ્રાપોલ બોર્ડરની મુલાકાત લીધી છે. તેમની સાથે અન્ય ઘણા વરિષ્ઠ કમાન્ડરો પણ હાલમાં સરહદી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પશ્ચિમ બંગાળમાં 2,217 કિલોમીટર, ત્રિપુરામાં 856 કિલોમીટર, મેઘાલયમાં 443 કિલોમીટર, આસામમાં 262 કિલોમીટર અને મિઝોરમમાં 318 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે.
સરહદી ગામોના લોકોના સંપર્કમાં છે બીએસએફ
બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને બીએસએફ એ મંગળવારે પશ્ચિમ બંગાળના અધિકારીઓ અને સરહદી વિસ્તારોના ગ્રામીણો સાથે બેઠક પણ કરી હતી. બીએસએફના અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રામજનોને સલાહ આપવામાં આવી છે કે તેઓ રાત્રિના સમયે સરહદી વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય સરહદી રસ્તાઓ પર જવાથી દૂર રહે.