જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા છે. આ હુમલાથી સમગ્ર દેશની સાથે સાથે વિશ્વમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં જમ્મુ-કાશ્મીરના લોકોએ આજે બંધનું એલાન પણ આપ્યું છે. આ આતંકનો ચહેરો હવે સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
પહેલગામમાં સેનાના સૈનિકોની સાથે પેરા કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા
આતંકી હુમલા બાદ ખીણના દરેક ખૂણા પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. પહેલગામમાં સેનાના સૈનિકોની સાથે પેરા કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાના લગભગ 24 કલાક પછી એક મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલો કરનારા આતંકવાદીઓ છેલ્લા 1 વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય હતા અને આ આતંકવાદીઓએ મે 2024માં પૂંછમાં વાયુસેનાના કાફલા પર હુમલો પણ કર્યો હતો. જુલાઈ 2024માં આ આતંકવાદીઓ જમ્મુથી કાશ્મીર ગયા હતા અને પછી તેઓ શ્રીનગરના દાચીગામ જંગલ વિસ્તારમાં છુપાઈ ગયા હતા. ડિસેમ્બર 2024માં સુરક્ષા દળોએ આ વિસ્તારમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ તે દરમિયાન ત્રણ આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
આ હુમલાનો માસ્ટરમાઇન્ડ 'અબુ તલ્હા'?
હવે તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલગામ હુમલો એ જ બચી ગયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં તેમને તેમના પાકિસ્તાની હેન્ડલરની મદદ મળી હતી. આ હુમલાનો માસ્ટરમાઇન્ડ 'અબુ તલ્હા' હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદીઓને સૂચનાઓ આપી રહ્યો હતો. હાલમાં દાચીગામના જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એવી આશંકા છે કે આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા છે.
પેરા કમાન્ડો ખીણના જંગલોમાં ઉતર્યા
બીજી તરફ વિસ્તારમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો આ કામગીરી કરી રહી છે. આ હુમલા અંગે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક રહી છે અને આતંકવાદીઓના નેટવર્કને તોડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પેરા કમાન્ડો ખીણના જંગલોમાં ઉતર્યા છે અને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.