હત્યા, લૂંટ, મારપીટ જેવી ગુનાખોર પ્રવૃત્તિઓ વધી રહી છે. ક્યાંક મહિલાઓ સુરક્ષાને લઇને લોકો રસ્તા પર ઉતરી આવે છે. તેવામાં હવે નેતા પણ સલામત ન હોય તેવી ઘટના સામે આવી છે. વાત છે બિહારની. બિહારના પટનામાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓએ લૂટપાટ દરમિયાન નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મુન્ના શર્માની હત્યા
આ ઘટના પટના શહેરના મંગલ લેક પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. વહેલી સવારના ગોળીબારથી રાજધાની હચમચી ઉઠી હતી. મૃતકની ઓળખ બીજેપી નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. શ્યામ સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યો હતો ત્યારે ગુનેગારોએ તેને ગોળી મારી દીધી હતી. શ્યામ સુંદર ભાજપ તરફથી પટના સિટી ચોકના ભૂતપૂર્વ મ્યુનિસિપલ બોર્ડ પ્રમુખ હતા.
સવારે 6 વાગ્યાની માહિતી
આ મામલે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે 6 વાગે માહિતી મળી કે મુન્ના શર્મા નામના વ્યક્તિની ગુનેગારોએ હત્યા કરી નાખી છે. તેઓના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં મોત નીપજ્યુ હતું. ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે.
હત્યાનું કાવતરુ ?
આ ઘટના અંગે મૃતકના મિત્રએ જણાવ્યું કે તેઓ ખૂબ જ વ્યવહારુ અને લડાયક વ્યક્તિ હતા. ભાજપના પટણા સિટી ચોકના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા. અમે રોજ મંગલ લેક આવતા હતા અને મોર્નિંગ વોક કરતા. સવારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યુ કે અમે ત્યાં લગાવેલા કેમેરામાં જોયુ તો મિત્ર દર્શન કરીને મંદિરમાંથી બહાર આવ્યો. તે કોઇની સાથે વાત કરી રહ્યો હતો. બાઇક પર બે શખ્સો આવ્યા અને ગળામાંથી ચેઇન ઝૂંટવી, મોબાઇલ ફોન પણ ઝૂંટી લીધો અને માથામાં ગોળી મારીને ભાગી ગયા. ત્યારે હવે આ લૂંટના ઇરાદે હત્યા હતી કે પછી કાવતરુ તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે તેમજ મૃતદેહને પીએમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે.