- બિહારમાં મધુબની જિલ્લામાં ચકચારી રૂપિયા 25 લાખની લૂંટ
- કપડાના વેપારીના ઘરના સભ્યોને માર મારી રોકડ, દાગીનાની લૂંટ ચલાવાઈ
- પોલીસે ટેક્નિકલ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી
બિહારમાં ગુનેગારોને પોલીસનો ભય હવે સમાપ્ત થઈ ગયો છે. કદાચ આ કારણથી ક્રાઈમની એકપછી એક ઘટનાઓ આરોપીઓ આપતા રહે છે. જેમાં પોલીસ માત્ર મૂકદર્શક બની રહી ગઈ છે. ઘટના બિહારના મધુબની જિલ્લાની છે. જ્યાં ગુરુવારે રાત્રે ચકચારી લૂંટને અંજામ આપી આરોપીઓ રાત્રીના અંધકારમાં ગાયબ થઈ ગયા હતા. આરોપીઓએ એક કપડાના વેપારીના ઘરના તમામ સભ્યોને બાંધી દઈ 25 લાખની સંપત્તિની લૂંટ કરી બાદમાં ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા.
ઘરના સભ્યોને બાંધીને લૂંટને આપ્યો અંજામ
રૂપિયા 25 લાખની લૂંટની ઘટના બિહાર રાજ્યના મધુબની જિલ્લામાં આવેલા ખૈરા તિલઈ ગામની છે. ગુરુવારે રાત્રે એક ડઝન લોકો મોં પર માસ્ક પહેરેલા આરોપીઓએ કપડાના વેપારી વિનોદ પંજિયારના ઘરનો ગેટ તોડી ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં ઘરના તમામ લોકો સાથે મારપીટ શરૂ કરી બંદૂક બતાવી સૌને બાંધી દીધા. બાદમાં આરોપીઓએ ઘરમાં શોધખોળ શરૂ કરી હતી. જ્યાં આખા ઘરમાંથી 10 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત 25 લાખની ચકચારી લૂંટ આચરી હતી.
ઘટનાની જાણ થતા ઝંઝારપુરના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. ઘરના સભ્યોના જણાવ્યા પ્રમાણે તેમને બાંધીને નવથી 10 લાખ રોકડા અને મોંઘા સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. જેમના વેપારીની પત્નીના 10 તોલા કરતાં વધુ સોનાના દાગીના વીંટી, મંગળસૂત્ર સહિત આરોપીઓ 25 લાખની સંપત્તિ લૂંટી અને હથિયાર લહેરાવતા ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ પીડિત પરિવારે આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી.
ચકચારી લૂંટ કેસમાં પોલીસની પ્રતિક્રિયા
પીડિત કપડાના વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી હતી. હવે જોવાનું એ છે કે પોલીસ ક્યા સુધી આ ચોરોની ધરપકડ કરે છે કે આખો મામલો દબાવી દેશે. ઝંઝારપુરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લૂંટનો મામલો સામે આવતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર કેસને ઉકેલવા માટે ટેક્નિકલ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત તાજેતરમાં જેલથી છૂટેલા ગુનેગાર પર ધ્યાન અપાઈ રહ્યું છે. લૂંટની રકમ અંગે ઘરના માલિકે જણાવ્યું કે આશરે 10 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ છે. દાગીનાની કિંમતની પછીથી ખબર પડશે. લૂંટ મુદ્દે અત્યાર સુધી એકપણ ગુનેગાર ઝડપાયો નથી.