- બિહારમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે
- મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વીજળી પડવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
- મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી
બિહારમાં હવામાનની પેટર્ન બદલાતા વાવાઝોડું આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. સત્તાવાર માહિતી મુજબ બિહારના ચાર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય મુજબ ગયામાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયા છે. જ્યારે જહાનાબાદમાં 3 અને નાલંદા અને રોહતાસમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર
રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો અને દરેક મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની સલાહનું પાલન કરવા પણ વિનંતી કરી.
રાજ્યમાં 2022 માં 400થી વધુ લોકોના થયા મોત
ફેબ્રુઆરીમાં રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલા તાજેતરના બિહાર આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 2022 માં આકાશી આફતથી 400 મૃત્યુ થયા છે. સૌથી વધુ મોત ગયા (46), ભોજપુર (23), નવાદા (21), બાંકા (21), ઔરંગાબાદ (20) અને નાલંદા અને કૈમુરમાં 18-18 થયા છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બિહારે 2022-23માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 430.92 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાંથી સૌથી મોટો હિસ્સો, રૂ. 285.22 કરોડ, વીજળી અને ડૂબવા જેવી સ્થાનિક આફતો માટે સમર્પિત છે.
બિહારમાં વરસાદ પર શું છે અપડેટ?
હવામાન વિભાગની આગાહી મુજબ, બિહાર 2 ઓગસ્ટે વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.