- નીટ પેપર લીકને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે
- આ કેસમાં CBIએ પહેલી ચાર્જશિટ દાખલ કરી
- આ ચાર્જશિટમાં 13 આરોપીના નામ સામેલ છે
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટમાં ગેરરીતિઓ અને પેપર લીકને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે.
CBIની ચાર્જશીટમાં 13 નામ
સીબીઆઈની ચાર્જશીટમાં 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના નામ નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યદુવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવનંદન કુમાર અને આયુષ રાજ છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 40 આરોપીઓની ધરપકડ
કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષામાં ગેરરીતિના કેસમાં અત્યાર સુધીમાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બિહાર પોલીસે કરેલી 15 ધરપકડનો પણ સમાવેશ થાય છે. CBIનું કહેવું છે કે દેશભરમાં 58 જગ્યાએ દરોડા પાડીને 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
CBIએ ચાર્જશીટમાં શું કહ્યું?
ચાર્જશીટમાં સીબીઆઈ એ કહ્યું છે કે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી, 201, 409, 380, 411, 420 અને 109 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. CBIએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાધુનિક ફોરેન્સિક ટેકનિક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્યનો ઉપયોગ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હતો. સીબીઆઈનું કહેવું છે કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
શું છે NEET-UGનો સમગ્ર વિવાદ?
5 મેના રોજ, NEET UG 2024 નું આયોજન દેશના 571 શહેરોમાં સ્થિત 4,750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. આમાં ભારતની બહારના 14 શહેરોનો પણ સમાવેશ થાય છે જ્યાં તે 5 મે (રવિવાર) ના રોજ બપોરે 02:00 PM થી 05:20 PM દરમિયાન યોજાઈ હતી. પરીક્ષા યોજાતાની સાથે જ ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા. NEET-UGમાં માર્કસ વધારવાના આક્ષેપો થયા છે, જેના કારણે 67 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 720 માર્ક્સ સાથે પહેલો રેન્ક મેળવ્યો છે. ગત વર્ષે બે વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ઘણા વિદ્યાર્થીઓના માર્કસ કોઈપણ રીતે વધારવામાં કે ઘટાડવામાં આવ્યા છે, જેના કારણે તેમના રેન્ક પર અસર પડી છે.