આજે દેશની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસને લઇને પીએમ મોદી ભાજપ પાર્ટીના તમામ કાર્યકરોને શુભકામના પાઠવી હતી. તેમણે આ દિવસને લઇને એક ટ્વિટ કરતા જણાવ્યું હતું કે લોકો પાર્ટીનું સુશાસન એજન્ડા જોઇ રહ્યા છે. જે ગત વર્ષોમાં ઐતિહાસિત જનાદેશમાં પણ પ્રતિબિંબિત થાય છે, પછી ભલે તે લોકસભાની ચૂંટણીઓ હોય, વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હોય કે દેશભરમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હોય. અમારી સરકારો સમાજની સેવા કરવાનું અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે.


ટ્વિટર પર પાઠવી શુભકામના 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં પીએમ મોદીએ કહ્યું કે બધા ભાજપ કાર્યકરોને પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા પક્ષને મજબૂત બનાવવા માટે પોતાને સમર્પિત કરનારા બધાને આપણે યાદ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ દિવસ આપણને ભારતની પ્રગતિ માટે કામ કરવાની અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરાવે છે.

મને ગર્વ છે- પીએમ મોદી 

તેમણે વધુમાં જણાવ્યું કે અમારા બધા મહેનતુ કાર્યકરો, અમારા પક્ષના કરોડરજ્જુ, ને મારી શુભકામનાઓ, કારણ કે તેઓ પાયાના સ્તરે સક્રિયપણે કામ કરી રહ્યા છે અને અમારા સુશાસન એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે ભાજપના કાર્યકરો દેશના દરેક ભાગમાં 24 કલાક કામ કરી રહ્યા છે અને ગરીબો, વંચિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સેવા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની ઉર્જા અને ઉત્સાહ ખરેખર પ્રેરણાદાયક છે.

ક્યારે થઇ હતી ભાજપની સ્થાપના ? 

ઉલ્લેખનીય છે કે ભાજપની સ્થાપના 1980માં તત્કાલીન ભારતીય જનસંઘના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. 1984માં લડાયેલી પહેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે માત્ર બે લોકસભા બેઠકો જીતી હતી. જોકે પાછળથી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં તેણે ઝડપથી પ્રગતિ કરી અને 90ના દાયકામાં ગઠબંધન સરકારો બનાવી. વર્ષ 2014 માં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી, ત્યારથી આ પાર્ટી સત્તાના કેન્દ્રમાં છે.

  • Follow us on: