• આવતા મહિલા લોકસભાની ચૂંટણીની તારીખો થઇ શકે જાહેર
  • તારીખોની જાહેરાત પહેલા બીજેપી પ્રથમ યાદી જાહેર કરી શકે
  • પીએમ મોદી, અમિત શાહ સહિત દિગ્ગજોના નામ હોવાની શક્યતા

ચૂંટણી પંચ આગામી મહિને લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનની તારીખ જાહેર કરી શકે છે. ત્યારે બીજેપી તારીખો જાહેર થયા પહેલા જ યુપીની નબળી બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 150 નામનો સમાવેશ થઇ શકે છે. જેમાં પીએમ મોદીનું નામ પણ હોય તેવી શક્યતા છે.

શનિવારે મળી હતી ટોચના નેતાઓની બેઠક

એક અહેવાલ દ્વારા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશની નબળી બેઠકો પર ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે 25 ફેબ્રુઆરીના રોજ ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ભાજપના ટોચના નેતાઓએ બેઠક યોજી હતી. જેમાં યુપીની નબળી બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. આ એવી બેઠકો છે જ્યાં પાર્ટીને લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થઇ શકે ?

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્ટી યુપીની નબળી સીટો પર નામોની જાહેરાત કરવા માંગે છે જેથી ઉમેદવારો ચૂંટણી પ્રચાર શરૂ કરી શકે. યુપીમાં, ભાજપ માટે જેને 'નબળી બેઠકો' કહેવામાં આવે છે તેમાં તે બેઠકોનો સમાવેશ થાય છે જેના પર પાર્ટી ગત ચૂંટણીમાં હારી હતી. આ બેઠકોમાં સંભલ, સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, રામપુર, અમરોહા, મૈનપુરી, રાયબરેલી, અમેઠી, આંબેડકર નગર, શ્રાવસ્તી, લાલગંજ, આઝમગઢ, ઘોસી, જૌનપુર અને ગાઝીપુરનો સમાવેશ થાય છે.

પ્રથમ યાદીમાં હોઇ શકે છે પીએમ મોદીનું નામ

એક અહેવાલના જણાવ્યા મુજબ ભાજપ 29 ફેબ્રુઆરીએ યોજાનારી તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક પછી લોકસભા ચૂંટણી માટે 150 થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પ્રથમ યાદીમાં પીએમ મોદી (વારાણસી), ગૃહ પ્રધાન અમિત શાહ (ગાંધીનગર), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (લખનૌ) અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી (નાગપુર)ના નામ સામેલ થવાની શક્યતા છે. જ્યારે પરવેશ વર્મા (પશ્ચિમ દિલ્હી), મનોજ તિવારી (ઉત્તર પશ્ચિમ દિલ્હી) અને રમેશ બિધુરી (દક્ષિણ દિલ્હી) સામેલ થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા અને રાજીવ ચંદ્રશેખર ભાજપના લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદીનો ભાગ બની શકે છે. ભાજપ તે બેઠકો પર નામ જાહેર કરી શકે છે જ્યાં તે મજબૂત છે.


  • Follow us on: