- કેજરીવાલના નિવાસસ્થાનના 'રીનોવેશન' માટે લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા
- ભાજપે તેમને 'મહારાજા' તરીકે ઓળખાવ્યા
- કેજરીવાલે વાતોથી ગોળ ગોળ ફેરવ્યા : સંબિત પાત્રા
ભારતીય જનતા પાર્ટી (BJP)ને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે વધુ એક મુદ્દો મળ્યો છે. બીજેપીએ દાવો કર્યો હતો કે શહેરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના 'રીનોવેશન' માટે લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને 'નૈતિક' આધાર પર તેમના રાજીનામાની માંગ કરી હતી. ભાજપે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર રૂ. 45 કરોડના રીનોવેશનના કામોનું સૌથી 'દયનીય' પાસું એ હતું કે જ્યારે દિલ્હી કોવિડ-19 રોગચાળાની પકડમાં હતું ત્યારે આ રકમ મંજૂર કરવામાં આવી હતી.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ સાધ્યુ નિશાન
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, "જ્યારે કોરોના રોગચાળો ચરમસીમા પર હતો અને લોકો મરી રહ્યા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલ પોતાના બંગલાના રિનોવેશનમાં વ્યસ્ત હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના શીશમહેલના રિનોવેશનમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. કેજરીવાલ કહેતા હતા કે, આ એક એવો સમય છે કે એક રૂમના મકાનમાં રહેવું જોઈએ. મીડિયાને ગોળ ગોળ વાતો જ કરી.
"મહારાજા કેજરીવાલ"
કેજરીવાલના નિવાસસ્થાનના સમારકામ પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચાયા બાદ ભાજપે તેમને 'મહારાજા' તરીકે ઓળખાવ્યા. સંબિત પાત્રાએ કહ્યું કે હવે મીડિયાને પણ 'અરવિંદ કેજરીવાલ મહારાજ'ની સ્ટોરી ન ચલાવવાની લાલચ આપવામાં આવી રહી છે. હવે જ્યારે કેજરીવાલને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે વડાપ્રધાન કઈ કારમાં ફરે છે? સેન્ટ્રલ વિસ્ટા પર પણ સવાલો ઉઠાવશે, પરંતુ સેન્ટ્રલ વિસ્ટા દેશની ધરોહર છે. રાજા-મહારાજા પણ કેજરીવાલને બંગલા માટે 'ઉત્તમ' ઉત્પાદનોની પસંદગી માટે અને 'વિલાસી અને આરામદાયક જીવનની ઝંખના' માટે નમન કરશે.
આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રૂપિયાથી વધુ
કેજરીવાલના બંગલા માટે ખરીદાયેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રૂપિયાથી વધુ છે, જ્યારે સૌથી સસ્તી પડદાની કિંમત 3.57 લાખ રૂપિયા છે. બંગલા માટે રૂ. 1.15 કરોડથી વધુની કિંમતનો માર્બલ વિયેતનામથી લાવવામાં આવ્યો હતો, જ્યારે પ્રી-ફેબ્રિકેટેડ લાકડાની દિવાલો પર રૂ. ચાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
AAPએ આ સ્પષ્ટતા કરી
કેજરીવાલના નિવાસસ્થાનના મુદ્દા પર દિલ્હી સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી, પરંતુ શાસક આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા AAPના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મુખ્યમંત્રી આવાસ 75-80 વર્ષ પહેલા 1942માં બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ ઓડિટ પછી તેના નવીનીકરણની ભલામણ કરી હતી. PWDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તે રિનોવેશન ન હતું અને જૂનાની જગ્યાએ નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તેની કેમ્પ ઓફિસ પણ ત્યાં છે. ખર્ચ આશરે રૂ. 44 કરોડ છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે જૂના માળખાને બદલીને નવું બનાવવામાં આવ્યું છે."