• ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસને લીધી આડેહાથ
  • છત્તીસગઢની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
  • કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણાનો પોટલા આગળ કરી રહી છે- સંબિત પાત્રા


આગામી સમયમાં 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ દ્વારા સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે તો કોંગ્રેસ પણ મતદારોને રીઝવવા કમર કસી રહ્યું છે. ત્યારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

જુઠ્ઠાણુ ફેલાવી રહી છે- સંબિત પાત્રા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ, દેશ અને છત્તીસગઢની જનતાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને અરીસો બતાવવાનો સમય આવી ગયો છે. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આગામી સમયમાં 5 રાજ્યોમાં ચૂંટણી છે અને સોમવારે રાહુલ ગાંધી છત્તીસગઢમાં હતા, જ્યાં તેમણે લોકોને ઘણા ખોટા વચનો આપ્યા હતા. તેમણે કહ્યું, “5 રાજ્યોમાં ચૂંટણી છે અને કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણાનો પોટલો આગળ કરી રહી છે.

આગળના વચનો પુરા કરો- સંબિત પાત્રા

ભાજપે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે છત્તીસગઢમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મેનિફેસ્ટોમાં 316 વચનો આપ્યા હતા. જે રાહુલ ગાંધી અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે હજુ સુધી પૂર્ણ કરી નથી. તો કિસાન સન્માન નિધિ યોજનાને લઈને છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર પણ પ્રહારો કરતા જણાવ્યું કે આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે શરૂ કરી હતી. આ યોજના હેઠળ છત્તીસગઢના લાખો ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે તે યાદીની ચકાસણી કરી ન હતી. જેના કારણે આજે છત્તીસગઢના લાખો ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા મળી રહ્યા નથી.


'કોંગ્રેસ ધર્માંતરણને પ્રોત્સાહન આપે છે'

આટલુ જ નહી ભાજપે છત્તીસગઢમાં કોંગી સરકાર પર ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે છત્તીસગઢમાં ધર્માતરણ વિરોધ વિધેયક ભાજપ સરકાર લાવી હતી. જેનો ઉદ્દેશ આપણા આદિવાસી ભાઈઓની સંસ્કૃતિ અને વિચારોને સાચવવાના હતા. પરંતુ કોંગ્રેસ સરકાર હંમેશા આ બિલની વિરુદ્ધ રહી છે અને સતત ધર્માંતરણને પ્રોત્સાહન આપી રહી છે.


  • Follow us on: