• છત્તીસગઢમાં ફરી નક્સલી અથડામણની ઘટના
  • નક્સલીઓના મૃતદેહ અને હથિયારો કબજે લેવામાં આવ્યા
  • છત્તીસગઢના ત્રણ જિલ્લા સુકમા, દંતેવાડા અને બીજાપુર નક્સલ પ્રભાવિત


છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોને ભારે સફળતા મળી છે. શુક્રવારે છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ સર્જાઈ જેમાં 12 નક્સલીઓ ઠાર મરાયા હતા. ઉલ્લેખનીય છે કે નક્સલીઓના મોતનો આંકડો હજી વધી શકે છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે ઠાર કરાયેલા નક્સલીઓના મૃતદેહો અને ભારે પ્રમાણમાં હથિયાર જપ્ત કર્યા છે.

નક્સલ પ્રભાવિત જિલ્લાઓ

તમને જણાવી દઈએ કે, છત્તીસગઢના ત્રણ જિલ્લા બીજાપુર, દંતેવાડા અને સુકમાના લગભગ 1200 DRG, STF, કોબ્રા અને CRPF જવાનો 'નક્સલ વિરોધી ઓપરેશન' પર નીકળ્યા છે. જાણકારી અનુસાર, શુક્રવારે સુરક્ષા દળોની ટીમને ઈનપુટ મળ્યો કે બીજાપુરના જંગલોમાં મોટા નક્સલી નેતાઓ હાજર છે. આ ઇનપુટના આધારે સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.

વહેલી સવારથી અથડામણ યથાવત્

આ એન્કાઉન્ટરમાં મોટી વાત એ રહી હતી કે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે સવારે છ વાગ્યાથી જ અથડામણ ચાલી રહી હતી. બસ્તર આઈજી, ડીઆઈજી સહિત ત્રણ જિલ્લાના એસપી આ એન્કાઉન્ટર પર નજર રાખી રહ્યા હતા. જો કે અત્યાર સુધી પોલીસ તરફથી આની પર કોઈ મહત્ત્વની જાણકારી અપાઈ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજાપુર જિલ્લાના ગંગાલુર થાણા વિસ્તારના પીડિયાના જંગલમાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ ચાલી રહી હતી.

અગાઉ આઠ દિવસ પહેલા નક્સલી કમાન્ડર જોગન્ના ઠાર મરાયો હતો

ચાલુ મહિનામાં બીજે મેના રોજ નક્સલ પ્રભાવિત નારાયણપુર અને કાંકેર જિલ્લાના બોર્ડર વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોએ રૂપિયા 25 લાખના ઈનામી નક્સલી કમાન્ડર સહિત 10 નક્સલીઓને ઠાર કર્યા હતા. નક્સલી કમાન્ડરનું નામ જોગન્ના હતું. આ જોગન્ના સામે 190થી વધુ પોલીસ કેસ નોંધાયેલા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોને નક્સલીઓ પાસેથી કમ્પ્યૂટર, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

કાંકેરમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા

તમને જણાવી દઈએ કે સુરક્ષાદળો દ્વારા નક્સલવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી આ પહેલી મોટી કાર્યવાહી નથી. આ પહેલા ગયા મહિને 16 એપ્રિલના રોજ કાંકેર જિલ્લાના છોટાબેટીયા વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા હતા.


  • Follow us on: