દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સુરક્ષા દળો દ્વારા વિદ્યાર્થીઓને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.
સરકાર પર વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ ન હોવાનો આરોપ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો. તેમણે સરકાર પર વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ ન હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આવી ઘટનાઓથી મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થાય છે.
છેલ્લા 10 વર્ષમાં દેશમાં 152 પેપર લીક થયા
કોંગ્રેસ નેતાએ પેપર લીકના મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં 152 પેપર લીક થયા છે, પરંતુ એક પણ આરોપીને સજા મળી નથી. તેમના જણાવ્યા મુજબ, આ પેપર લીકની ઘટનાઓથી અંદાજે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર અસર પડી છે. રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે પરીક્ષાનો ખર્ચ શિક્ષણ બજેટ જેટલો થઈ ગયો છે અને આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ પર આર્થિક ભાર વધી રહ્યો છે.
શિક્ષણમંત્રીના રાજીનામાની માગ
તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન શિક્ષણ નીતિઓથી ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધતા તેમને શિક્ષણમંત્રી તરીકે નિષ્ફળ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ યોગ્ય છે અને સરકારને વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે જવાબદારી લેવી જોઈએ.
