પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. TMCના ત્રણ વરિષ્ઠ નેતાઓ અને રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં સામેલ થયેલા નેતાઓમાં સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બારાઈકના નામ સામેલ છે.


ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાતા પહેલાં રાજ્યસભાની સભ્યપદેથી રાજીનામું આપી દીધું

ભાજપના પશ્ચિમ બંગાળ પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ ત્રણેય નેતાઓના પાર્ટીમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાતા પહેલાં રાજ્યસભાની સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ભાજપ કાર્યાલયમાં તેમને પાર્ટીનો પટ્ટો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેમ TMCમાંથી નીકળવાનો નિર્ણય કર્યો?

આ પ્રસંગે શમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમય સુધી ડાબેરી મોરચાનું શાસન રહ્યું અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે લાંબા સમયથી ચાલી રહેલી રાજનીતિએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોને અસર કરી છે અને વિકાસ પ્રક્રિયામાં અડચણો ઊભી થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ત્રણેય સાંસદોએ TMCમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. શમિક ભટ્ટાચાર્યએ ત્રણેય નેતાઓને રાજ્યસભામાં તેમના કાર્ય માટે અનુભવી અને પ્રતિષ્ઠિત નેતા ગણાવ્યા હતા.

ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ

ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે ત્રણેય નેતાઓના પાર્ટીમાં આગમનથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છે. તેમણે પશ્ચિમ બંગાળ ભાજપ, મુખ્ય નેતા શુભેન્દુ અધિકારી, રાજ્ય સરકારના નેતાઓ અને સમગ્ર સંગઠન તરફથી ત્રણેય નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્રણ મોટા નેતાઓના ભાજપમાં જોડાવાથી પશ્ચિમ બંગાળની રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.