ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરકાશી જિલ્લામાં નાગુણ નજીક થયેલા મોટા ભૂસ્ખલનને કારણે ગંગોત્રી નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાઈવે બંધ થતાં ગંગોત્રી તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુસાફરો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
https://twitter.com/ANINewsUP/status/2075177822830874828
વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી
માર્ગ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને પથ્થરો ખાબકતાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે મશીનોની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. માર્ગને વહેલી તકે ફરી શરૂ કરી શકાય તે માટે સતત બચાવ અને સફાઈ કામગીરી ચાલી રહી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર
આ દરમિયાન ઉત્તરકાશીના જિલ્લા કલેક્ટર પ્રશાંત આર્યાએ પણ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે BROના અધિકારીઓને માર્ગ ઝડપથી સાફ કરીને વાહનવ્યવહાર વહેલી તકે પુનઃસ્થાપિત કરવા સૂચના આપી હતી. સાથે જ સ્થાનિક વહીવટી તંત્રને સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવા અને જરૂરિયાત મુજબ સુરક્ષા વ્યવસ્થા વધારવા પણ જણાવ્યું હતું.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad News: મહાદેવ APP કેસમાં CBIએ વધુ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી