થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ આકાશમાં જ ભયાનક ટર્બ્યુલન્સ નો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. આ અચાનક સર્જાયેલી પરિસ્થિતિના કારણે વિમાનમાં સવાર કેટલાક મુસાફરોને ગરદન અને કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી. જોકે, પાયલટની સતર્કતાના કારણે વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


એરલાઈન અનુસાર કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી


એર ઈન્ડિયાએ આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, આજે 4 ઓગસ્ટના રોજ ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ AI2379 ને ઉડાન દરમિયાન થોડા સમય માટે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વિમાનની ઊંચાઈમાં અચાનક થોડો ફેરફાર આવ્યો હતો. જોકે, એરલાઈન અનુસાર કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી.



કેટલાક મુસાફરોને સારવાર અપાઇ


જે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને જેમને મેડિકલ તપાસની જરૂર હતી, તેમને સાવચેતીના ભાગરૂપે એર ઈન્ડિયાની એરપોર્ટ ટીમ અને મેડિકલ સ્ટાફ દ્વારા એરપોર્ટ પર આવેલા મેડિકલ સેન્ટર ખાતે ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એર ઈન્ડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અને સુવિધાઓ તેમની સૌથી પહેલી પ્રાથમિકતા છે. 

 

વિમાનમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો 

મુસાફરોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં લેન્ડિંગના થોડા સમય પહેલા, વિમાન અચાનક નીચે ઉતરવા લાગ્યું અને ધક્કો મારવા લાગ્યું. આનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના દરમિયાન ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. થોડા સમય માટે વિમાનમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, પાયલટે ખૂબ જ મુશ્કેલીથી વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં સફળતા મેળવી હતી. 


ટર્બ્યુલન્સ શું હોય છે?


જ્યારે ઉડાન દરમિયાન હવા અનિયંત્રીત થઇને વિમાનની પાંખો સાથે અથડાય છે, ત્યારે પ્લેનમાં એર ટર્બ્યુલન્સ બને છે. આ ટર્બ્યુલન્સના કારણે વિમાનને ઉંચુ નીચું થાય છે.ક જેના કારણે મુસાફરોને આંચકા આવે છે. બીજો પ્રશ્ન એ છે કે: કેટલા પ્રકારના ટર્બ્યુલન્સ હોય છે? અહેવાલો અનુસાર, વિમાન ઓછામાં ઓછા સાત પ્રકારના ટર્બ્યુલન્સનો સામનો કરે છે. મોટાભાગે, ટર્બ્યુલન્સ હવામાન સંબંધિત હોય છે. ખરાબ હવામાનમાં, વીજળી અને ભારે વાદળો પણ વિમાનમાં ટર્બ્યુલન્સનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે આ પ્રકારોમાં સ્પષ્ટ હવા ટર્બ્યુલન્સ, થર્મલ ટર્બ્યુલન્સ, તાપમાન ઇન્વર્ઝન ટર્બ્યુલન્સ, મિકેનિકલ ટર્બ્યુલન્સ, ફ્રન્ટલ ટર્બ્યુલન્સ, પર્વતીય તરંગ ટર્બ્યુલન્સ અને વાવાઝોડા ટર્બ્યુલન્સનો સમાવેશ થાય છે. 


તમારા મનમાં રહેલા તમામ સવાલોના જવાબ


સવાલ: એર ટર્બ્યુલન્સ શું છે?

જવાબ: વિમાન ઉડાન દરમિયાન હવામાં અચાનક થતા દબાણ અથવા હવાના પ્રવાહમાં ફેરફારને કારણે વિમાન હચમચી જાય, તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે.

સવાલ: ટર્બ્યુલન્સ કેમ થાય છે?

જવાબ: વાદળો, વાવાઝોડા, જેટ સ્ટ્રીમ, પહાડી વિસ્તારો ઉપરની હવાની લહેરો અથવા અલગ-અલગ તાપમાનવાળી હવાના મિશ્રણને કારણે ટર્બ્યુલન્સ સર્જાય છે.

સવાલ: શું ટર્બ્યુલન્સ ખતરનાક હોય છે?

જવાબ: મોટા ભાગે ટર્બ્યુલન્સ સામાન્ય હોય છે અને વિમાન માટે જોખમી નથી. પરંતુ જો મુસાફરો સીટ બેલ્ટ ન પહેર્યા હોય તો તેમને ઈજા થઈ શકે છે.

સવાલ: શું ટર્બ્યુલન્સથી વિમાન ક્રેશ થઈ શકે?

જવાબ: માત્ર ટર્બ્યુલન્સના કારણે વિમાન ક્રેશ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. આધુનિક વિમાનો આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

સવાલ: પાઇલટને ટર્બ્યુલન્સની અગાઉથી જાણ થાય છે?

જવાબ: ઘણી વખત હવામાન રડાર, હવામાન વિભાગની માહિતી અને અન્ય વિમાનોના અહેવાલોથી પાઇલટને અગાઉથી જાણ થઈ જાય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં ક્લિયર એર ટર્બ્યુલન્સ અચાનક પણ આવી શકે છે.

સવાલ: ટર્બ્યુલન્સ દરમિયાન મુસાફરોએ શું કરવું?

જવાબ: પોતાની સીટ પર બેસી રહેવું, સીટ બેલ્ટ બાંધી રાખવો, ક્રૂ સભ્યોની સૂચનાઓનું પાલન કરવું અને ગભરાવું નહીં.

સવાલ: શું ટર્બ્યુલન્સ ટાળી શકાય?

જવાબ: પાઇલટ શક્ય હોય ત્યાં સુધી માર્ગ અથવા ઊંચાઈ બદલીને ટર્બ્યુલન્સથી બચવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરેક પ્રકારની ટર્બ્યુલન્સ સંપૂર્ણપણે ટાળવી શક્ય નથી.