મહારાષ્ટ્રના અમરાવતીમાં સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલમાં વહેલી સવારે સર્જાયેલી આગની ઘટનાએ હચમચાવી દીધું છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા નવજાત શિશુ સઘન સારવાર વિભાગ એટલે કે NICUમાં સવારે આશરે 3:30 વાગ્યે અચાનક આગ ભભૂકી હતી. પ્રાથમિક માહિતી મુજબ વેન્ટિલેટરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આ કરુણ દુર્ઘટનામાં 3 નવજાત શિશુઓના દાઝી જવાથી મોત થયા છે.

અલગ અલગ રૂમમાં કુલ 39 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતા


ઘટના સમયે NICUના 3 અલગ અલગ રૂમમાં કુલ 39 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતા. આગ લાગતા જ ડ્યૂટી પર હાજર ડોક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. વેન્ટિલેટર પર રહેલા બાળકોને ઝડપથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્ટાફની સમયસરની કામગીરીને કારણે અનેક નવજાત શિશુઓનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.



6 નવજાત શિશુઓ ઇજાગ્રસ્ત 


આ દુર્ઘટનામાં 6 નવજાત શિશુઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બાળકોને નજીકની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય બાળકોની સ્થિતિ પર પણ તબીબી ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.



અચાનક વેન્ટિલેટર ફાટ્યું અને આગ લાગી


એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે 3:30 વાગ્યે, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં અચાનક વેન્ટિલેટર ફાટ્યું અને આગ લાગી. હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગી, જેમાં 39 શિશુઓ રહેતા ત્રણ રૂમમાં હતા. આગ લાગતાની સાથે જ, ડોકટરો, નર્સો અને ફરજ પરના સ્ટાફે નવજાત શિશુઓને વેન્ટિલેટરમાંથી બહાર કાઢ્યા.

આગ લાગવાના કારણની તપાસ ચાલુ 


પોલીસ અને હોસ્પિટલ વહીવટીતંત્ર હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી અને વેન્ટિલેટર કેવી રીતે ફાટ્યું. શું આ વેન્ટિલેટરની નિયમિત તપાસ કરવામાં આવતી નહોતી? શું ટેકનિકલ ખામીનો અંદાજ ન આવી શક્યો હોત? આ નિર્દોષ બાળકોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે તે નક્કી કરવા માટે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

હોસ્પિટલની ઇમરજન્સી વ્યવસ્થા અને ફાયર સેફ્ટી અંગે ગંભીર સવાલો 


NICU જેવા અત્યંત સંવેદનશીલ વિભાગમાં આગ લાગવાની ઘટનાએ હોસ્પિટલની ઇમરજન્સી વ્યવસ્થા અને ફાયર સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જોકે, પ્રાથમિક રીતે વેન્ટિલેટરમાં વિસ્ફોટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ આ દુર્ઘટના પાછળની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.