આસામના કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રોંગાજાન વિસ્તારમાં ટ્રક અને મુસાફરોથી ભરેલી ટ્રાવેલર ગાડી વચ્ચે સામસામે ટક્કર થતાં 20થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંકની પુષ્ટિ થઈ નથી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલર ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અનેક મુસાફરો અંદર ફસાયા હોવાની આશંકા છે. 


બોકાખાતથી નગાંવ જઈ રહી હતી ટ્રાવેલર


પ્રાથમિક માહિતી મુજબ, ટ્રાવેલર ગાડી બોકાખાતથી નગાંવ તરફ જઈ રહી હતી. આ દરમિયાન રોંગાજાન નજીક સામેથી આવી રહેલા ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ગાડીમાં મોટાભાગે વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગાડીમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી


અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રાવેલર ગાડીમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અનેક મુસાફરો હજુ પણ ગાડીમાં ફસાયેલા હોવાની આશંકા છે. 



ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા


અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે કોહોરા મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા છે. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ બાકી


અકસ્માતમાં કેટલા લોકોનાં મોત થયાં અને કેટલા લોકો ઘાયલ થયા છે તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંકની પુષ્ટિ કરવામાં આવી રહી છે.