57મી GST કાઉન્સિલની બેઠકમાં વેપારીઓ અને કરદાતાઓ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં GST વ્યવસ્થાને વધુ સરળ બનાવવા, નાના ટેક્સ વિવાદો ઘટાડવા અને બિઝનેસ સાથે જોડાયેલા વિવિધ ખર્ચ પર ITCનો લાભ આપવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી છે. આ નિર્ણયોથી એફએમસીજી, ફાર્મા, ટેલિકોમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલિવરી અને કોર્પોરેટ ક્ષેત્રને રાહત મળવાની શક્યતા છે.
GST અધિકારીઓની સીધી ધરપકડની સત્તામાં મોટો ફેરફાર
કાઉન્સિલે સામાન્ય GST વિવાદોમાં અધિકારીઓ દ્વારા સીધી ધરપકડ કરવાની જોગવાઈમાં ફેરફારના પ્રસ્તાવને મંજૂરી આપી હોવાની માહિતી છે. ગંભીર ગુનાહિત કેસો અને જાણીજોઈને કરવામાં આવેલી ટેક્સ ચોરી જેવા મામલાઓમાં કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયા મારફતે કાર્યવાહી કરવાનો રસ્તો રહેશે. આ નિર્ણયથી સામાન્ય ટેક્સ વિવાદોમાં વેપારીઓ માટે મોટી રાહત થઈ શકે છે. કાઉન્સિલના નિર્ણય મુજબ સામાન્ય જીએસટી કેસોમાં અધિકારીઓ દ્વારા ધરપકડ કરવાની સત્તા દૂર કરવામાં આવી છે. ગંભીર કેસોમાં કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટની ભૂમિકા મહત્વની રહેશે. આ નિર્ણયથી વેપારીઓ અને કરદાતાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને જીએસટી તપાસ દરમિયાન ધરપકડના ભયને લઈને ઉઠતા સવાલો હવે ઘટી શકે છે.
₹1 કરોડની મર્યાદા વધારીને ₹5 કરોડ
જીએસટી હેઠળ કેસ ચલાવવાની મર્યાદામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ₹1 કરોડની મર્યાદા હતી, જેને હવે વધારીને ₹5 કરોડ કરવામાં આવી છે. આ ફેરફારથી નાના અને સામાન્ય કરવેરા વિવાદોમાં ફોજદારી કાર્યવાહીનું જોખમ ઓછું થવાની શક્યતા છે.
સજાનો લઘુતમ નિયમ પણ દૂર
કાઉન્સિલે સજાને લઈને પણ મહત્વનો નિર્ણય લીધો છે. લઘુતમ સજાની જોગવાઈ દૂર કરવામાં આવી છે. હવે દંડ, જેલ અથવા બંનેમાંથી કઈ સજા આપવી તે કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટના વિવેક પર રહેશે.
સામાન્ય દંડ ₹25,000થી ઘટીને ₹10,000
જે કેસમાં કોઈ ચોક્કસ દંડની જોગવાઈ ન હોય તેવા મામલામાં લાગતો સામાન્ય દંડ પણ ઘટાડવામાં આવ્યો છે. અત્યાર સુધી ₹25,000નો સામાન્ય દંડ હતો, જે હવે ઘટાડીને ₹10,000 કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી નાના નિયમભંગના કેસોમાં કરદાતાઓને રાહત મળી શકે છે.
કર્મચારીઓના હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર ITC
કંપનીઓ માટે સૌથી મહત્વના નિર્ણયોમાં કર્મચારીઓના ગ્રુપ હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, કર્મચારીઓ માટે લેવામાં આવેલા પાત્ર ગ્રુપ ઈન્શ્યોરન્સ પર ચૂકવાયેલા GSTનું ITC મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. આથી કંપનીઓના આવા ખર્ચની અસરકારક કિંમત ઘટી શકે છે.
ITC મામલે અધિકારીઓની કમિટી બનશે
ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવાઓને લઈને પણ કાઉન્સિલે અધિકારીઓની એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કમિટી એવા સાચા ખરીદદારોને કેવી રીતે સુરક્ષા આપી શકાય તેનો અભ્યાસ કરશે, જેમની પાસે યોગ્ય ઇનવોઇસ છે, માલની ડિલિવરી મળી ગઈ છે અને તેમણે સપ્લાયરને સંપૂર્ણ ચુકવણી પણ કરી છે.
3 મહિનામાં રિપોર્ટ, પછી લેવાશે આગળનો નિર્ણય
અધિકારીઓની કમિટી 3 મહિનાની અંદર પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે. ત્યારબાદ આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો એજન્ડા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જીએસટી દરોમાં ફેરફાર હવે વારંવાર કરવાને બદલે સામાન્ય રીતે વર્ષમાં એક વખત કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલ હવે માત્ર દર નક્કી કરવા કરતાં જીએસટી વ્યવસ્થા રોજિંદા વ્યવહારમાં વધુ સરળ કેવી રીતે બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ટેલિકોમ ટાવર અને બહારની પાઈપલાઈન પર પણ ITC
ટેલિકોમ ટાવર અને ફેક્ટરી પરિસરની બહાર આવેલી પાઈપલાઈન પર ITCના મુદ્દે પણ કાઉન્સિલે રાહત આપી છે. આ નિર્ણયથી ટેલિકોમ, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ, ગેસ વિતરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને ફાયદો થઈ શકે છે, કારણ કે આ ક્ષેત્રોમાં આવા સાધનો અને માળખા પાછળ મોટું મૂડીરોકાણ થાય છે.
ડિલિવરી સર્વિસ પર GST 18%થી ઘટીને 5%
ડિલિવરી ક્ષેત્ર માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનરજિસ્ટર્ડ ડિલિવરી સર્વિસ આપતા રાઈડર્સની સેવાઓ પર GST 18%થી ઘટાડીને 5% કરવાની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી છે. આ નિર્ણયથી નાના ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર્સ અને ઈ-કોમર્સ સાથે જોડાયેલા ડિલિવરી વ્યવસાય પર ટેક્સનો બોજ ઘટી શકે છે.
આઉટડોર કેટરિંગ પર ITCની રાહત
પાત્ર વ્યવસાયિકો માટે આઉટડોર કેટરિંગ સાથે જોડાયેલા GST પર પણ ITCનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. આથી કંપનીઓ અને અન્ય પાત્ર સંસ્થાઓના કેટરિંગ સંબંધિત ખર્ચમાં રાહત મળી શકે છે.
રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર GST હવે 5%
કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર પર GST 18%થી ઘટાડીને 5% કરવાની મંજૂરી આપવામાં આવી છે. જૂના ટ્રેક્ટર ટાયરને ફરી ઉપયોગલાયક બનાવતા રિટ્રેડેડ ટાયર પર હવે ઓછો GST લાગશે, જેના કારણે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખર્ચમાં રાહત મળવાની શક્યતા છે.
FMCG અને ફાર્મા કંપનીઓને ITCનો લાભ
ફ્રી સેમ્પલ અને કાયદા મુજબ નષ્ટ કરવા જરૂરી એવા માલ પર ITC સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. GST ચૂકવવામાં આવ્યો હોય તેવા પાત્ર ફ્રી સેમ્પલ અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ નષ્ટ કરવાના માલ પર ITCનો લાભ આપવાનો નિર્ણય FMCG અને ફાર્મા કંપનીઓ માટે મહત્વનો બની શકે છે. ખાસ કરીને ફાર્મા કંપનીઓમાં દવાઓના સેમ્પલ અને એક્સપાયર થયેલી દવાઓને નષ્ટ કરવાની પ્રક્રિયા નિયમિત વ્યવસાયિક ખર્ચનો ભાગ છે.
રુપિયા 10,000થી ઓછા ટેક્સ કેસમાં નહીં આવે શો-કોઝ નોટિસ?
નાના ટેક્સ વિવાદોને ઘટાડવા માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે રુપિયા 10,000ની ન્યૂનતમ મર્યાદા નક્કી કરવાની મંજૂરી આપી હોવાની માહિતી છે. આ મુજબ રુપિય10,000થી ઓછી ટેક્સ ડિમાન્ડ ધરાવતા મામલાઓમાં શો-કોઝ નોટિસ નહીં મોકલવાનો પ્રસ્તાવ છે. તેનો હેતુ નાના-નાના વિવાદોમાં વેપારીઓ અને ટેક્સ વિભાગ બંનેનો સમય અને વહીવટી સંસાધનો બચાવવાનો છે.
ટેક્સ દર કરતાં સિસ્ટમ સરળ બનાવવા પર ફોકસ
57મી GST કાઉન્સિલની બેઠકમાં માત્ર ટેક્સ દરોમાં ફેરફાર કરતાં GST વ્યવસ્થાને વધુ સરળ બનાવવાનો ભાર જોવા મળ્યો છે. ધરપકડની જોગવાઈ, ITCના જૂના વિવાદો, નાના ટેક્સ કેસ અને વિવિધ બિઝનેસ ખર્ચ અંગેના નિર્ણયોથી વેપારીઓ અને કંપનીઓ માટે અનુપાલનની પ્રક્રિયા સરળ બનવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : PM Modiના નારામાં અંગ્રેજીની એન્ટ્રી, ‘We Will Do It’ પાછળનો સંદેશ શું? વાંચો રસપ્રદ માહિતી
