કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ. કોન્સ્ટીટ્યુશનલ ક્લબમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકા વચ્ચે ચર્ચા થઈ. બેઠક બાદ CJPએ જંતર-મંતર પર ચાલી રહેલા ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
સરકારે માગો સ્વીકારી લીધી છે: CJP
CJPના સૌરવ દાસે જણાવ્યું કે સરકાર દ્વારા તેમની માગણીઓ સ્વીકારવામાં આવી છે. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પૂરી થઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ FIR પરત ખેંચવાની માગ પણ સ્વીકારવામાં આવી છે.
વિદ્યાર્થીઓને નિયમ મુજબ યોગ્ય સહાય આપવામાં આવશે : સરકાર
સૌરવ દાસે જણાવ્યું કે તમામ FIRની નકલો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઈપણ પ્રદર્શનકારી કે CJPના આયોજકો સામે કાર્યવાહી નહીં થાય તેવી લેખિત ખાતરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે બેઠકમાં કેસ અને અન્ય માંગણીઓ અંગે ચર્ચા બાદ સહમતિ બની છે. તેમણે કહ્યું કે કોઈ કેસ કરવામાં આવશે નહીં અને નિયમ મુજબ યોગ્ય સહાય આપવામાં આવશે. CJPએ હવે જંતર-મંતર પરના તમામ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે પાછા ફરવાની અપીલ કરી છે.
