નીટ (NEET) પેપર લીક વિવાદ હવે માત્ર પરીક્ષાની ગેરરીતિ સુધી મર્યાદિત રહ્યો નથી. છેલ્લા એક મહિનાથી આ મુદ્દો દેશની સૌથી મોટી રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. જંતર-મંતર પર સતત ચાલતા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન, સંસદમાં વારંવાર સર્જાયેલા ગડબડભર્યા દૃશ્યો, વિરોધ પક્ષના આંદોલનો અને આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે આ સમગ્ર ઘટનાક્રમે મોટો રાજકીય વળાંક લીધું છે.
25 જુલાઈ 2026ના રોજ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. તે સાથે જ કેન્દ્ર સરકારે પેપર લીક જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી માટે નવા ડ્રાફ્ટ બિલને કેબિનેટની મંજૂરી આપી છે. આ પ્રસ્તાવિત કાયદામાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ, ઝડપી સુનાવણી અને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
3 મેથી શરૂ થયો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત મે 2026માં થઈ હતી. 3 મેના રોજ દેશભરમાં યોજાયેલી NEET UG પરીક્ષામાં અંદાજે 22થી 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા બાદ 7 મે આસપાસ એવી ફરિયાદો સામે આવી કે પેપરના નામે મૂળ પ્રશ્નપત્ર અગાઉથી જ લીક થઈ ગયું હતું. આક્ષેપો બાદ 12 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સમગ્ર પરીક્ષા રદ કરી હતી અને સાથે જ CBI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
15મે એ શિક્ષણ મંત્રીએ પેપર લીકની વાત સ્વીકારી
15 મેના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં પેપર લીક થયાની વાત સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે કમાન્ડ ચેઈનમાં થયેલી એક મોટી ચૂકને કારણે આ ઘટના બની હતી. ત્યારબાદ 21 જૂને ફરીથી NEET પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો.
આ દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની હતી. 15 અને 16 મે દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની એક ટિપ્પણીમાં "કોકરોચ" શબ્દનો ઉપયોગ થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ જ ટિપ્પણીથી પ્રેરાઈને 16 મેના રોજ અભિજીત દીપકે મજાકીય અંદાજમાં "કોકરોચ જનતા પાર્ટી (CJP)" નામનું સંગઠન શરૂ કર્યું હતું.
જૂન મહિનામાં આંદોલન વધુ તેજ બન્યું
શરૂઆતમાં માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત લાગતું આ સંગઠન થોડા જ દિવસોમાં લાખો યુવાનો સાથે જોડાઈ ગયું. NEET પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓના ગુસ્સા અને અસંતોષને વ્યક્ત કરવાનું CJP એક મોટું મંચ બની ગયું. જૂન મહિનામાં આંદોલન વધુ તેજ બન્યું. 6 જૂને CJPએ દિલ્હીના જંતર-મંતર પર પ્રથમ મોટું વિરોધ પ્રદર્શન યોજ્યું. સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ હતી – શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા અને માનસિક તણાવને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર.
સોનમ વાંગચુક આંદોલનમાં જોડાયા
20 જૂનથી પ્રદર્શનકારીઓએ અનિશ્ચિતકાળીન ધરણાં શરૂ કર્યા અને જાહેર કર્યું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ દરમિયાન જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ આંદોલન સાથે જોડાયા અને અંદાજે 26 દિવસ સુધી ઉપવાસ પર રહ્યા.
21 જૂને RE-NEETનું પરિણામ જાહેર થયું
જોતજોતામાં CJPનું આંદોલન દેશભરમાં ફેલાઈ ગયું અને જંતર-મંતર પર હજારો વિદ્યાર્થીઓ અને સમર્થકો ઉમટી પડ્યા. બીજી તરફ 21 જૂને ફરી યોજાયેલી NEET પરીક્ષા અને તેના પરિણામો જાહેર થયા છતાં વિદ્યાર્થીઓનો રોષ ઓછો ના થયો.
20 જુલાઈએ 'ચલો સંસદ' માર્ચનું આયોજન
જુલાઈ મહિનામાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ. 20 જુલાઈએ CJPએ "ચલો સંસદ" માર્ચનું આયોજન કર્યું. પોલીસની મંજૂરી ન હોવા છતાં હજારો લોકો સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. તેમ છતાં જંતર-મંતર પરનું ધરણું યથાવત રહ્યું.
વિરોધ પક્ષ પણ આંદોલનમાં જોડાયા
આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિરોધ પક્ષના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા હતા. તેઓએ વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને અટકાયત કરી હતી. વિરોધ પક્ષે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, 20 જુલાઈની પોલીસ કાર્યવાહીની તપાસ અને વિદ્યાર્થીઓની જાહેર માફીની માગ કરી હતી.
આ વચ્ચે શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર પણ NEET મુદ્દે સતત હંગામાને કારણે વારંવાર સ્થગિત કરવું પડ્યું હતું. સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનો દાવો કરતી રહી, જ્યારે વિરોધ પક્ષનું કહેવું હતું કે પ્રથમ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, ત્યારબાદ જ ચર્ચા શક્ય બનશે.
23 જુલાઈએ વડાપ્રધાને વીડિયો સંદેશ આપ્યો
23 જુલાઈની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીકના આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી, ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના અને નવા કડક કાયદાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 24 જુલાઈએ પણ તેમણે યુવાનોને સંબોધીને સંદેશ આપ્યો હતો.
https://twitter.com/narendramodi/status/2080357811662492096
અનેક બેઠકો પણ યોજાઈ
24 જુલાઈએ કેન્દ્રીય કેબિનેટે પેપર લીક વિરોધી કડક ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી હતી. એ જ દિવસે CJPના પ્રતિનિધિઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન CJPએ ફરીથી ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી હતી – ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ તથા FIR પાછા ખેંચવા સાથે 20 જુલાઈની પોલીસ કાર્યવાહી બદલ જાહેર માફી.
આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
સરકારે વળતર અને કેસ પાછા ખેંચવાના મુદ્દે સહમતી દર્શાવી હતી, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે નિર્ણય માટે 25 જુલાઈ સુધીનો સમય માગ્યો હતો. CJPએ સ્પષ્ટ કર્યું હતું કે રાજીનામાની માગ પર કોઈ સમાધાન નહીં થાય અને આંદોલન ચાલુ રહેશે.
અંતે 25 જુલાઈ 2026ના રોજ બપોરે અંદાજે 2 વાગ્યે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. હાલ જંતર-મંતર પર CJPનું ધરણું યથાવત છે. સરકાર અને CJP વચ્ચે આગામી દિવસોમાં ફરી ચર્ચા થઈ શકે છે, જ્યારે સંસદમાં પણ NEET મુદ્દે રાજકીય ગતિરોધ હજુ યથાવત છે.
આ પણ વાંચો : Dharmendra Pradhan Networth : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસે કેટલી છે સંપતિ?
