દિલ્હી હાઈકોર્ટે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ અંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી હાથ ધરી હતી. અદાલતે તબીબોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે તેમના સ્વાસ્થ્ય માટે સતત દેખરેખ અત્યંત જરૂરી છે.
સફદરજંગ હોસ્પિટલ-અન્ય તબીબો વચ્ચે સર્વસંમતિ સધાઇ
એઈમ્સ, સફદરજંગ હોસ્પિટલ અને અન્ય ખાનગી તબીબો વચ્ચે આ મામલે સચોટ સર્વસંમતિ સધાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર સામે કોઈ પણ પ્રકારનો વિરોધ નોંધાવ્યો ન હતો, પરંતુ શરત મૂકી હતી કે તબીબી સલાહ અને પરવાનગી વગર તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે. સોનમ વાંગચુક હાલમાં NEET પેપર લીક વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા CJP વિદ્યાર્થીઓના સમર્થનમાં આમરણાંત ભૂખ હડતાળ પર બેઠા હતા, જેના કારણે તેમની તબિયત લથડી હતી.
