દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UGની ફરીથી યોજાનારી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આગામી 21 જૂન 2026ના રોજ લેવાનારી આ પરીક્ષાને વધુ વિદ્યાર્થીલક્ષી અને અનુકૂળ બનાવવા માટે એજન્સી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વહીવટી અને માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા છે.

OMR શીટ માટે મળશે 15 મિનિટનો વધારાનો સમય

સૌથી મોટો ફેરફાર પરીક્ષાના સમયગાળામાં કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કુલ 195 મિનિટનો સમય મળશે. પૂર્વ નિર્ધારિત સમય અનુસાર આ પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે ૫:૧૫ વાગ્યા સુધી ચાલશે. આમાં ઉમેદવારોને ખાસ કરીને ઓએમઆર (OMR) શીટની વિગતો ખૂબ જ ચોકસાઈપૂર્વક અને શાંતિથી ભરવા માટે 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે, જેથી ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય.

રફ વર્ક માટે હવે મળશે 4 પેજ, લેફ્ટ-હેન્ડેડ વિદ્યાર્થીઓને પણ રાહત

આ ઉપરાંત ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન જેવા વિષયોમાં ગણતરી કરવા માટે વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર પુસ્તિકામાં મોટો સુધારો કરાયો છે. પહેલા રફ કામ માટે માત્ર 2 પેજ મળતા હતા, જેને વધારીને હવે 4 પેજ કરી દેવામાં આવ્યા છે. એનટીએ એ સંવેદનશીલતા દર્શાવતા ડાબા હાથે લખતા (લેફ્ટ હેન્ડેડ) વિદ્યાર્થીઓની સુવિધા માટે બે રફ પેજ મુખ્ય સૂચના પૃષ્ઠની બરાબર પછી એટલે કે શરૂઆતમાં આપ્યા છે અને બાકીના બે પેજ પુસ્તિકાના અંતમાં રાખ્યા છે.

NTAની અપીલ: એડમિટ કાર્ડની સૂચનાઓ ધ્યાનથી વાંચો

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના સત્તાવાર નિવેદન અનુસાર, આ નાના પણ વ્યવહારુ ફેરફારો પરીક્ષાની ગુપ્તતા, નિષ્પક્ષતા અને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવામાં મદદ કરશે. એજન્સીએ તમામ પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા પોતાના એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી તમામ નવી માર્ગદર્શિકા અને સૂચનાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લે, જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી ન નડે.
  • Follow us on: