તમિલનાડુના રાજકારણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં ફસાયા છે. તમિલનાડુમાં કાવેરી જળ વિવાદને લઈને ચાલી રહેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન અભિનેત્રી તૃષા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર નિવેદનો આપવા અને અશોભનીય ઈશારા કરવા બદલ તેમની ચારેય બાજુથી આકરી ટીકા થઈ રહી છે.

ઘરેથી જ ઉઠાવી ગઇ પોલીસ

આ ગંભીર મામલાની નોંધ લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રી અંગે વિવાદાસ્પદ આચરણ કરવાના આ કેસમાં પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની તેમના જ ઘરેથી અટકાયત કરી લીધી છે. એટલું જ નહીં, તેમની સામે કાયદાકીય રીતે કુલ છ અલગ-અલગ ગંભીર કલમો અંતર્ગત ગુનો નોંધીને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.

https://x.com/ANI/status/2084517864820895862

પ્રદર્શન દરમિયાન ઉદયનિધિના અશ્લીલ હાવભાવ

જળ વિવાદને લઇને થઇ રહેલા પ્રદર્શન દરમિયાન અચાનક ઉપસ્થિત ભીડે લોકપ્રિય અભિનેત્રી 'ત્રિષા'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતી વખતે ઉદયનિધિએ કથિત રીતે બેવડા અર્થવાળા નિવેદનો આપ્યા અને અશ્લીલ હાવભાવ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે રોષ ફેલાયો છે.

ઉદયનિધિ સ્ટાલિન માફી માંગે તેવી માંગ

આ અભદ્ર વર્તનને કારણે તેમની ચોતરફથી આકરી ટીકા થઈ રહી છે. શાસક પક્ષ ટીવીકે (TVK) ના નેતા અધવ અર્જુને ઉદયનિધિ સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે તેમણે રાજકીય ધોરણોને તિલાંજલિ આપીને એક મહિલાનું ખુલ્લેઆમ અપમાન કર્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ડીએમકે નેતા પોતાની અશોભનીય ભાષા અને નીચલા સ્તરના હાવભાવ દ્વારા અન્નાદુરાઈના પવિત્ર આંદોલન અને તેની ગરિમાને ખતમ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ટીવીકે પક્ષ દ્વારા ઉદયનિધિ સ્ટાલિન માફી માંગે તેવી જોરદાર માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.